આપણું ગુજરાત

સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, 12થી વધુ ગંભીર ગુનામાં આરોપી

સુરત: આગાઉ ગુજરાત ATS દ્વારા ધરપકડ થઇ કરાયેલા અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવતા અબ્દુલ ઉર્ફે પીરઅલી મોહમ્મદ સાકીર શેખની સુરત ક્રાઈમ બ્રાન્ચે(Surat crime branch) ચેઈન સ્નેચિંગના આરોપસર ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી અબ્દુલ શેખ સામે સમગ્ર ગુજરાતમાં એક ડઝનથી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે.

47 વર્ષીય અબ્દુલ વિરુદ્ધ ગુજરાતના અનેક શહેરોમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે સુરતના ડીંડોલી, ઉમરા અને વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગુનામાં વોન્ટેડ હતો, ચેઈન સ્નેચિંગ સાથે સંબંધિત કેસમાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય વર્ષ 2002માં અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમખાણોના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2006માં અમદાવાદ ATSએ તેની ધરપકડ કરી હતી, તેના પર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શખ્સના સંપર્કમાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. આ ઉપરાંત તેણે 2008માં અમદાવાદની સાબરમતી જેલની અંદર હુમલો કર્યો હતો. તેની અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2017માં હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીના આરોપમાં અબ્દુલની ધરપકડ કરવામાં આવી હતી. તેના વિરુદ્ધ અમદાવાદના જ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલા અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. ગુનાહિત ઈતિહાસ ધરાવતો આ શખ્સ PASA હેઠળ બે વખત પકડાઈ ચૂક્યો છે અને 2002 અને 2018માં કચ્છ ભુજ અને જૂનાગઢ જેલમાં જઈ ચૂક્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ડિંડોલી અને ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ચેઈન સ્નેચિંગની ઘટનાઓ સંદર્ભે આરોપી અબ્દુલ પીર અલી શેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસો ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચને કામગીરી સોંપવામાં આવી હતી. પકડાયેલ આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અમેઠીનો રહેવાસી છે. હાલમાં તે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતો હતો.

આરોપી અબદુલે જુદા જુદા વિસ્તારમાં જઈને ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓ આચરતો હતો. આ માટે તે ખોટી નંબર પ્લેટ લગાવીને બાઇક પર ફરતો હતો અને ગુનાને અંજામ આપતો હતો. આવા ગુનાઓ કરીને જે કમાણી થતી હતી તેમાંથી તે મોજશોખ કરતો હતો. હાલ આરોપી અબ્દુલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button