Surat Building Collapse: સુરતમાં ધરાશાયી થયેલી બિલ્ડીંગમાં 7 લોકોના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

સુરત: ગઈ કાલે ગુજરાતમાં વધુ એક દુર્ઘટના ઘટી હતી, ગઈ કાલે બપોર પછી સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયી(Surat Building Collapse) થઇ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે, અહેવાલો મુજબ કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોય શકે છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.
દરમિયાન, સુરતના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં સાત મૃતદેહો મળી આવ્યા છે. પોલીસે કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, હજુ પણ ઘણા લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.
અહેવાલો અનુસાર ધરાશાયી થયેલી ઈમારત માત્ર 8 વર્ષ જૂની હતી, પરંતુ ખરાબ હાલતના કારણે ઘણા ફ્લેટ ખાલી પડ્યા હતા. ઈમારત જ્યારે પડી ત્યારે અંદર પાંચ પરિવારો હાજર હતા. આ કારણે ઘણા લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
હાલ કાટમાળને ઝડપથી દૂર કરવા માટે કામ ચાલી રહ્યું છે. હાલ સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ઈમારતોના પાયા નબળા થઈ ગયા હતા. સુરતની આ ઈમારત શા માટે પડી તેનું સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ સતત વરસાદ પણ એક પરિબળ માનવામાં આવે છે.
જાણકારી મુજબ છ માળની આ ઈમારતમાં 35 રૂમ હતા, જેમાં પાંચથી સાત પરિવારો જીવ જોખમમાં મુકીને રહેતા હતા. આ ઈમારતની માલિક એક વિદેશી મહિલા છે, જે ઈમારતમાં રૂમ ભાડે આપતી હતી. જેમાંથી મોટાભાગના લોકો આ વિસ્તારમાં ફેક્ટરીઓમાં કામ કરતા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ રિપોર્ટના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.