સુરતના રાજકારણમાં ગરમાવોઃ કોંગ્રસમાંથી ‘આપ’માં જોડાયેલા નેતાએ આપ્યું રાજીનામું
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમા મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક અનુભવવા મળે છે, પરંતુ શહેરના રાજકારણમાં થોડો ગરમાવો આવ્યો છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ના પાંચ વિધાનસભ્ય જીત્યા હતા, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને બેમાંથી એક પણ બેઠક મળી નથી. ત્યારે હવે નેતાઓ પણ પક્ષ છોડી રહ્યા છે. આજે સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસ તરફથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડીયાએ આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે.
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી-ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગીતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.
હવે રાજકારણમાંથી સન્યાસ?
આ રાજીનામા બાદ કાછડીયાએ કહ્યું કે આપમાંથી રાજીનામું આપ્યું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો વિચાર કર્યો નથી. જો કે, રાજકીય ક્ષેત્રે તેમણે સન્યાસ પણ જાહેર કર્યો નથી. જેથી આગામી સમયમાં ફરીથી કોઈ પક્ષમાં જોડાઈને ફરીથી ચૂંટણી આવે ત્યાં સુધીમાં ફરી એકાદ પક્ષનો ખેસ પહેરશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.