હવે અસલી શું? સુરતમાં 6 ભેજાબાજોએ નકલી વેબસાઇટ બનાવીને આચર્યું 20 કરોડનું કૌભાંડ!
સુરત: ગુજરાતમાં નકલીપણાનો જાણે રાફડો ફાટ્યો છે. રાજ્યમાં નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા, નકલી નેતા, નકલી મહારાજા અને હવે આ કિસ્સામાં નકલી વેબ સાઇટનો પણ સમાવેશ થઈ ગયો છે. નકલી વેબસાઈટ બનાવીને 20 કરોડથી વધુનું કૌભાંડ આચરનારા 6 આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 8.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના સરથાણામાં ત્રણ દુકાનો ભાડે રાખીને ત્રણ શાતીર ભેજાબાજોએ ફેસબુક પર એ કોમર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી બોગસ વેબસાઈટની જાહેરાત મૂકી હતી, જેમાં કિચનવેર તેમજ ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો
સુરતના સરથાણામાં ત્રણ દુકાનો ભાડે રાખીને ત્રણ લોકોએ કરોડોની કમાણીનો કારસો રચ્યો હતો. આરોપીએ ફ્લિપકાર્ડ જેવી બોગસ વેબસાઈટ બનાવી હતી અને ત્રીસ હજારના પગાર પર અન્ય લોકોને નોકરી પર રાખ્યા હતા. આ નકલી સાઇટ દ્વારા ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકીને ગ્રાહકોની રકમ પડાવતા હતા.
પોલીસે આ કેસમાં આશીષ હડીયા, સંજય કાતરીયા, પાર્થ સવાણી, સાગર ખૂંટ, દિલીપ પાધડાળ અને યશ સવાણીની ધરપકડ કરી છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પિયુષ ખુંટ વોન્ટેડ છે. પોલીસને આરોપીઓ પાસેથી 700 જેટલા ઈમેલ મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે આરોપીઓએ 700 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોય શકે છે.