ઝટકોઃ મોરબી બ્રિજ કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બનેલી મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. હાઈ કોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ઓરેવા ગ્રુપના એમડીને રાહત આપી ન હતી.
આરોપી જયસુખ પટેલના જામીન અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે જામીન અરજીને ફગાવતા કોર્ટે કહ્યુ કે, અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો.
ગઈ દિવાળી બાદ મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના ઘટી હતી, જેણે સંપૂર્ણ દેશને હચમચાવી નાખ્યો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દેષના જીવ ગયા હતા. ઘટના બાદના મીડિયા રિપોર્ટસ અનુસાર આ ઘટના માનવસર્જિત જ હતી અને તે બાદ એસઆઈટીના રિપર્ટેમાં પણ ઓરેવા ગ્રુપને આ માટે જવાબદાર ઠેરવ્યું હતું. જયસુખ પટેલ બ્રિજની જાળવણી કરતી કંપની ઓરેવાના એમડી છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.
આ આરોપીઓ પૈકી ટિકિટ આપનાર બે કલાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને એક મેનેજર દિનેશ દવે એમ કુલ છ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. મુખ્ય આરોપી જયસુખ પટેલ, ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશ પરમારની જામીન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ દરમિયાન 21 નવેમ્બરે જયસુખ પટેલે વચગાળાના જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમા અરજી કરી હતી.
જયસુખ પટેલ વતી એડવોકેટ મુકુલ રોહતગી ઉપસ્થિત થયા હતા. તેની સામે 120 મૃતકોના પરિવારવતી ઉત્કર્ષ દવેએ સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલની આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ મામલે એક તરફ હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
આ મામલે ગુજરાત હાઇ કોર્ટમાં હંગામી ધોરણે કરેલી જમીન અરજી પેન્ડિંગ છે. જ્યારે અગાઉ ટ્રાયલમાં પણ જયસુખ પટેલની અરજી ફગાવવામાં આવી હતી. જેના પછી સુપ્રીમ તરફથી રાહત મળી નથી. દરમિયાન બુધવારે ગુજરાત હાઈ કોર્ટે ગોંડલના જૂના બ્રિજના સમારકામમાં મોરબી બ્રિજ જેવી ભૂલ ન થાય તેવી ટકોર કરી હતી અને મોરબી હોનારતને એન્જિનિયરિંગ ડિઝાસ્ટર ગણાવી હતી.