Adani પોર્ટ્સની સુપ્રીમ કોર્ટમા જીત, મુંદ્રા જમીન મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે

નવી દિલ્હી: ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી(Adani)પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
હાઇકોર્ટનો જમીનની ફાળવણી રદ કરવા આદેશ
કચ્છમાં અદાણી પોર્ટ્સને 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી જેમાં જમીનની ફાળવણીને પડકારવામાં આવી હતી. જાહેર હિતની અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીન ગુમાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 વર્ષ પહેલા અદાણી ગ્રૂપને ફાળવવામાં આવેલી જમીનની ફાળવણી રદ કરવા સૂચના આપવામાં આવી હતી.
13 વર્ષ બાદ સરકારે નિર્ણય લીધો
આ સમગ્ર વિગત મુજબ ગુજરાત સરકારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તે આશરે 108 હેક્ટર ગૌચર જમીન પાછી લેશે. જે વર્ષ 2005માં કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક અદાણી જૂથના એકમને આપવામાં આવી હતી. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડને ગૌચરની 231 એકર જમીન ફાળવવાના નિર્ણય સામે નવીનાલ ગામના રહેવાસીઓએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારનો આ નિર્ણય લીધો હતો.
ગામમાં માત્ર 45 એકર ગૌચરની જમીન
રાજ્યના મહેસૂલ વિભાગે 2005માં ફાળવણી કરી હોવા છતાં 2010માં જ્યારે APSEZએ ગૌચર જમીન પર ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામજનોને તેની જાણ થઈ. રહેવાસીઓના જણાવ્યા મુજબ, APSEZને 276 એકરમાંથી 231 એકર જમીન ફાળવ્યા પછી ગામમાં માત્ર 45 એકર ગૌચરની જમીન બચી છે. તેમણે દાવો કર્યો હતો કે આ જમીન જાહેર અને સામુદાયિક સંપત્તિ છે.