વિજ્ઞાન જાથાએ ખોલી અંધશ્રદ્ધાની પોલ: દરગાહમાં સવારી આવતા મૂક્યો હતો ડાકણનો આરોપ
ભરૂચ: ગુજરાત સરકારે રાજ્યમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી બિલને વિધાનસભામાંથી પસાર કરી દીધું છે, તેમ છતાં રાજ્યમાં અંધશ્રદ્ધાનાં બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક બનાવ ભરૂચ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. અહી કલાદરા ગામની મહિલાએ દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મૂકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સ્થાનિક પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો.
મહિલાએ મૂક્યો ડાકણનો આરોપ
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની જેલીબેન ભગુભાઈ આહીર નામની મહિલા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં આવેલી કોઠવા દરગાહની નિયમિત મુલાકાત લેતા હતા. અહી તેમમે સવારી આવે છે તેમ કહી પોતે ધૂણતા હતા અને તે સમયે બેફામ બોલતા હતા. હાલમાં જ તેમણે એક દિવસ ધૂણીને પોતાના જ કુટુંબની બે મહિલાઓને ડાકણ અને મેલીવિદ્યા જાણતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
પરિવારજનોએ કરી જાણ
ત્યારબાદ કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઈએ આ અંગે વિજ્ઞાન જાથાને આ અંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારા કટુંબનનાં જેલીબેન પરિવાર કીમ પાસેની દરગાહમાં નિયમિત ગુરુવાર ભરવા જાય છે, ત્યાં તેમને સવારી આવતા મારા મમ્મી જશુબેન ઉર્ફે જશીબેન ડાકણ છે અને દેવીબેન મેલીવિદ્યા જાણે છે તેવા આરોપ મૂક્યા હતા. વળી તેમણે આરોપ કરતાં કહ્યું હતું કે રાત્રિના બંને બિલાડી, ઉંદરડીનું રૂપ ધારણ કરી બધાને હેરાન કરે છે. જેના લીધે સમાજમાં બહિષ્કૃત કરવા માટે આ પગલું ભર્યું હોવાનો આરોપ કર્યો હતો. ડાકણનો આરોપમાંથી છુટકારો મેળવવા જાથાની મદદ માંગી હતી.
દરગાહ પર હિંદુઓની વધુ આસ્થા
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, “કોઠવા દરગાહ વળગાડ મુક્તિ ખૂબ જ પ્રખ્યાત હોવાનું કહેવાય છે. દર ગુરુવારે અહી માણસના શરીરમાં હાવી થઈ ગયેલા ભૂત, વળગાડ વગેરેને દૂર કરવા માટે મોટી ભીડ એકઠી થાય છે. આ દરગાહમાં મુસ્લિમોથી પણ વધુ હિંદુ લોકોની હાજરી હોય છે. દરગાહની બહાર એક મોટી બજાર છે, જ્યાં અત્તર (અત્તર), ગુલાબજળ, પાણી, તાવીજ, ફૂલો, રૂમાલ, લોબાન, ચાદર (ચાદર) મોટી માત્રામાં વેચાય છે.”
આ પણ વાંચો : મુંબઈ-અમૃતસર એક્સપ્રેસમાં ભરૂચ નજીક લાગી આગ, જૂઓ Video
પોલીસે ગોઠવી વોચ
જયંત પંડ્યાએ આ અંગે પો.ઈન્સ. કે. એમ. સ્વામીને રૂબરૂ મળી ડાકણનો આરોપ મૂકવો કાનૂની અપરાધ છે તે સંબંધી વાત કરી હતી. જાથાની ટીમ અને પાલોદ પોલીસ સ્ટેશનના સભ્યો દરગાહમાં હાજર રહ્યા હતા અને આ સમયે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઈ ગયા. આ જેલીબેન ઠેકડા મારીને, કૂદાકૂદ કરીને ધૂણવા લાગ્યા હતા. અંતે પોલીસના સ્ટાફે તેમને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને અહી તેમણે જે પણ કઈ કર્યું તે ઈર્ષ્યાથી કહ્યું હતું અને ખોટી રીતે ધૂણતા હોવાનું કબૂલ્યું હતું.
અંતે માફી માંગીને થયા સંમત
ત્યારબાદ પોલીસે તેમને તેમના કામના કાયદાકીય પરિણામો વિશે જાણ કરી જેના કારણે સમગ્ર પરિવારે જશુ આહિર અને દેવી ઠાકોરની માફી માંગી હતી અને માફ કરવા વિનંતી કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે મહિલાઓના પરિવારો કાયદાનો આશરો ન લેવા અને મામલો પતાવટ કરવા સંમત થયા હતા. કારણ કે તેઓને એક જ ગામમાં રહેવાનું હોય આથી તેમણે માફી આપીને મામલાની પતાવટ કરી હતી.