મોહનથાળ બાદ હવે સુખડીનું થશે ચેકિંગ?
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મોહનથાળના પ્રસાદમાં બનાવટી ઘીનો વપરાશ કરાતો હોવાની ઘટનાએ ગુજરાતમાં ભારે ચકચાર જગાવી હતી. આ ઘટના બાદ હવે અન્ય પ્રખ્યાત મંદિરોમાં અપાતા પ્રસાદ માટે પણ આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું મહાકાળી માતાનું ધામ શક્તિપીઠ પાવાગઢના પ્રસાદમાં અપાતી સુખડીમાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તેના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નવરાત્રિ પહેલા ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું આ એક મોટું પગલું છે. હવે ઘીના સેમ્પલનો રિપોર્ટ નવરાત્રી પહેલાં આવી જાય તેવા ગોધરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પ્રયાસો છે.
ઉલ્લેખનીય છે કે પાવાગઢના સુખડીના પ્રસાદનો નવરાત્રિ દરમિયાન લાખો લોકો લાભ લે છે. નવરાત્રીના નવ દિવસ, પૂનમ દરમિયાન પાવાગઢમાં 35 ટન જેટલી સુખડી બનાવવામાં આવે છે. પ્રસાદી બનાવવાની પ્રક્રિયા સતત નવ દિવસ સુધી ચાલતી રહે છે.
ખાસ વાત એ પણ છે કે એક હજાર કિલોમીટર દૂર મહારાષ્ટ્રથી લાવવામાં આવે છે. જ્યારે 1200 કિલોમીટર દૂર કોલ્હાપુરથી જથ્થાબંધ કોલ્હાપુરી ગોળ મગાવવામાં આવે છે.