રાજકોટ ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા જતા સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની રતનપુર બોર્ડર ખાતે અટકાયત
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય રાજપરીવારો સામે કરવામાં આવેલા બફાટને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાજસ્થાનથી ગુજરાત આવી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની ગુજરાતમાં પ્રવેશતા બોર્ડર પર અટકાયત કરવામાં આવી છે.
આ દરમિયાન ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોમાં શીલાદેવીનો પણ સમાવેશ થાય છે જે સુખદેવ સિંહ ગોગામેડીના ધર્મપત્ની છે, હાલ આ લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર બોર્ડર પાસે તેમની અટકાયત કરવામાં આવી છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રાજપૂત નેતા અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર હત્યાકાંડ એક પ્રોફેશનલ શૂટર દ્વારા કરવામાં આવ્યો હતો. બીજા દિવસે રાજસ્થાન પોલીસે બે આરોપીઓની અટકાયત કરી હતી.
આજે સાંજે 5 વાગ્યે શરૂ થયેલા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા છે. રતનપરમાં 30 વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ 100 વિઘા જમીનમાં પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનો દાવો કરાયો છે.