અમદાવાદમાં ડ્રગ્સના આરોપીનો આપઘાતનો પ્રયાસ: દરોડામાં ₹ ૫૦૦ કરોડનો માલ પકડાયો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ડ્રગ્સના મુખ્ય આરોપી જીતેશ પટેલે ડીઆરઆઈની કસ્ટડીમાં ગળા અને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જીતેશના ઘરે, ફેક્ટરી પર દરોડા બાદ પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સને દવાના નામે તૈયાર કરીને સપ્લાય કરાતું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડી.આર.આઈ.ના સંયુક્ત ઓપરેશન મામલે મુખ્ય આરોપી જીતેશે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું. બીજી તરફ પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડ જીતેશ પટેલ અને તેના ભાગીદાર સંદીપકુમાર કુમાવત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ ફેક્ટરીમાં કેટામાઇનને મોટાપ્રમાણમાં તૈયાર કરીને તેને દવાની આડમાં પાર્સલ કરીને અમેરિકા અને ઇગ્લેન્ડ જેવા દેશોમાં સપ્લાય કરતા હતા. ડ્રગ્સના કેસની તપાસમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વ્યક્ત કરી હતી.
ક્રાઇમબ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે જીતેશ અને સંદીપ વર્ષ ૨૦૧૬-૧૭માં કેમિકલ ફેક્ટરીમાં સાથે નોકરી કરતા હતા. જીતેશે કેમિકલ વિષયમાં બીએસસી એમએસીનો અભ્યાસ કર્યો હતો અને તે ફાર્મા કંપનીમાં ડ્રગ્સ બનાવવાની ફોર્મુલા જાણી ગયો હતો. જે પછી તેણે તેના મિત્ર સાથે દવાનું જોબ વર્ક કરવાના બહાને ડ્રગ્સનો કારોબાર કરવા માટે મહાલક્ષ્મી કેમિકલ વર્કસ નામની તૈયાર ફેક્ટરીને ટેકઓવર કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રાના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડીઆરઆઇના અધિકારીઓ સાથે દરોડા પાડ્યા હતા. મહાલક્ષ્મી કેમિકલ વર્કસ નામની દવાની ફેક્ટરીમાં દરોડો પાડીને જીતેશ પટેલ અને તેના પાર્ટનર સંદીપકુમાર કુમાવત (રહે. ઔરંગાબાદ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન ૩૦ કિલો કોકેઇન, સાડા ચાર કિલો મેફેડ્રોન, સાડા ચાર કિલો જેટલું કેટામાઇન અને ૧૦ કિલો જેટલું મેફેડ્રોન ઉપરાંત, ડ્રગ્સ બનાવવાનું કેમિકલ અને ૩૦ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.