ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં ગાબડાંને તંત્રએ પૂરી દીધા; કામમાં ભ્રષ્ટાચારને લઈને પ્રશ્નો યથાવત!

ઓખા: પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ દ્વારકાના સિગ્નેચર બ્રિજ કે જેને સુદર્શન બ્રિજ નામ આપવામાં આવ્યું છે. તેના પાંચ જ મહિનામાં પોપડા ઊખડી ગયા હોવાની તસવીરો સામે આવતા ભારે ખલભળાટ મચી ગયો છે. આ બ્રિજ પાછળ આશરે 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ ગયા છે અને ઘણી જગ્યાએ દીવાલનું પ્લાસ્ટર ઊખડી ગયા છે. આ બાદ સાંસદથી લઈને કલેકટરની આંખ ઊઘડી હતી. હાલ બ્રિજ પર મરામત કરી દેવામાં આવ્યું છે પરંતુ આ બનાવથી બ્રિજની કામગીરી પર પ્રશ્નો ઉઠયા છે.
છેલ્લા અઠવાડિયાથી દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે, આથી જિલ્લાના અનેક માર્ગોનું ધોવાણ થયુ છે અને પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે. આ દરમિયાન આજથી પાંચ મહિના પહેલા 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ બ્રિજના કામમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ બ્રિજ બન્યાના પહેલા જ ચોમાસાની શરૂઆતમાં ખૂલી થઈ ગઇ હતી.
આ પણ વાંચો : હેરિટેજ લાખાજીરાજ શાકમાર્કેટના રિપેરિંગ બાદ મૂળ માલિકને માલિકી આપવા તંત્રની ખાતરી

બ્રિજની ત્રણ જગ્યાએથી ગાબડાં પડ્યા છે અને સળિયા દેખાઈ ગયા છે તો ઘણી જગ્યાએ દીવાલનું પ્લાસ્ટર ઊખડી ગયું હોવાની તસવીરો વાયરલ થઈ રહી છે.
પુલમાં પડેલા ગાબડાંને લઈને સર્વત્ર ભારે ચર્ચાઓએ જોર જગાવ્યું હતું. બ્રિજની કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. જો કે આ બાબતે સાંસદ પૂનમ માડમે દિલ્હીથી તાત્કાલિક આ બાબતે કલેકટર સાથે ચર્ચા કરી હોવાની પણ વિગતો છે. જો કે આ બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું અને આજે બ્રિજ પર મરામતની કામગીરી કરીને તંત્ર દ્વારા ખાડાઓને પૂરી દેવામાં આવ્યા છે. તેમ છતા બ્રિજના ટકાઉપણાને લઈને લોકોમાં શંકાઓ જાગી છે.

સુદર્શન બ્રિજનું કામ એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યુ હતુ. આ કંપની દ્વારા સુદર્શન બ્રિજના નિર્માણનું કામ ચાલુ હોય ત્યારે જ આ જ કંપની દ્વારા બિહારમાં ગંગા નદી પર બનાવવામાં આવેલા પુલ ધરાશાયી થયું હતો. આ ઘટના બાદ સુદર્શન સેતુના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પરત લઈ લેવાની અટકળો ચાલી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટ યથાવત રાખવામાં આવ્યો હતો. આ બાદ વિપક્ષે સરકારની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.