75 ટકાથી નીચેના વિદ્યાર્થીને એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ MS યુનિવર્સિટી સામે બાંયો ચડાવી
વડોદરા: જૂન મહિનાની શરૂઆતની સાથે જ હવે શાળા અને કોલેજોમાં શૈક્ષણિક સત્રના પ્રારંભ થઈ રહ્યા છે. હાલ કોલેજ અને યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ દરમિયાન વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જનરલ કેટેગરીના 75 ટકાથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ મળતા ગઇકાલથી શરૂ થયેલું આંદોલન આજે પણ ચાલુ રહ્યું હતું.
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓની હાજરીમાં કમાટીબાગ ખાતે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો ઓછી હોવાના લીધે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન મળી રહ્યું નથી. ઓપન કેટેગરીનું કટ ઓફ 75 ટકાએ મૂકી દેવામાં આવતા તેનાથી નીચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થતિ સર્જાય છે.
આથી વિદ્યાર્થીઓ આંદોલન કરીને માંગ કરી રહ્યા છે કે ફેકલ્ટીમાં વધુ બેઠકો હતી અને તેણે ઘટાડીને ઓછી બેઠકો કરી દેવામા આવી છે તેમાં વધારો કરવામાં આવે અને શાનીક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. આ મામલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કમાટીબાગ ખાતે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં વાલીઓ પણ જોડાયા હતા અને લોકોએ વડોદરાના અને યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓને પણ આ આંદોલનમાં જોડાવા કહ્યું હતું. વિધાનસભામાં નહિ બોલનારા ધારાસભ્યો હવે વડોદરાના જ વિદ્યાર્થીના એડમિશન માટે તો બોલે એવી માંગ ઉઠાવવામાં આવી છે.