બજેટમાં જાહેર કરાયેલી બે યોજનાઓનો આટલા વિદ્યાર્થીઓએ લીધો લાભ
ગાંધીનગરઃ રાજ્યના બાળકોનું શૈક્ષણિક ભાવી વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ નવીન નમો લક્ષ્મી યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યની કુલ ૧૧,૯૬૬ શાળાઓની નોંધણી કરવામાં આવી છે. આ શાળાઓમાંથી ૪,૦૩,૧૬૮ વિદ્યાર્થીનીઓની અરજી માન્ય રાખવામાં આવી છે. જેમાં રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે.
જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની ૯૨૪ વિજ્ઞાનપ્રવાહ શાળાઓની નોંધણી થઈ છે. જેમાં ૩૭ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે.
આ પણ વાંચો : ગુજરાતની યુનિવર્સિટીઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
નમો લક્ષ્મી યોજના હેઠળ જે વિદ્યાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય અને જે ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૮ થી ૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- ૯ થી ૧૨માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને કુલ રૂ. ૨૫,૦૦૦ સહાય મળશે.