જન્માષ્ટમીના તહેવારો માટે STની ભેટ: 1,200થી વધુ એક્સ્ટ્રા બસ દોડશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનું સફળ આયોજન કર્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ. ટી. નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.
ચાલુ વર્ષ -૨૦૨૫માં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન નિગમ દ્વારા અંદાજે ૧૨૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રિપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં મોટા શહેરી વિસ્તારોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલન કરવાનું એસ. ટી. દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસો સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જન્માષ્ટમી પહેલા ઘરે લાવજો આ 9 વસ્તુઓ, ભગવાન શ્રી કૃષ્ણ વરસાવશે કૃપા…
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોની જરૂરિયાતો અને સલામતીને ધ્યાને રાખીને ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં ૧૦૦૦ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે નાગરિકોની જરૂરિયાતને ધ્યાને રાખીને ૧,૨૦૦ ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું છે