રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદાનો કડક અમલ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઢોર નિયંત્રણ કાયદાની અમલવારી માટેની દરખાસ્ત મંગળવારે મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે રાજ્ય સરકારે નક્કી કરેલ ઢોર નિયંત્રણ કાયદાની દંડની અમલવારી આવતી બુધવારથી રાજકોટમાં શરૂ કરવામાં આવશે. જેમાં રખડતું ઢોર પકડાય, ત્યારે પશુ માલિકને હવે રૂ. ૫૦૦ના બદલે રૂ. ૧૫૦૦ દંડ ભરી પશુ છોડાવવાનું રહેશે. તેમજ એનિમલ હોસ્ટેલમાં પશુ મૂકવા માટે હવે રૂ. ૧૦૦૦ના બદલે ૩૦૦૦ ચાર્જ ચૂકવવો પડશે. જેની અમલવારી બુધવાર (આજથી) શરૂ કરાશે. તેમજ પશુ નિયંત્રણ કાયદામાં આવતા તમામ કડક નિયમો અંતર્ગત પણ શહેરમાં રખડતા ઢોર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે. તેમ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું.
રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતુ કે, શહેરમાં વસવાટ કરતા પશુપાલકો પાસે પશુ રાખવાની વ્યવસ્થા હોય ત્યારે પશુ અંગેનું લાયસન્સ અને પરમિટ ફરજિયાત કઢાવવાની રહેશે. તેવી જ રીતે દરેક પશુને આરએફઆઈડી ચીપ અને ટેગ લગાવી પશુનું રજિસ્ટ્રેશન મહાનગરપલિકામાં કરવાનું રહેશે. જેની ફી અગાઉ નિયત કરેલ છે. તે મુજબ ચૂકવવાની રહેશે. આ તમામ કાર્યવાહી કર્યા બાદ મનપાના ચેકિંગ દરમિયાન જો નિયમની અમલવારી ન થઈ હોય તેવા પશુને મનપા ઢોર ડબે પૂરી દેશે તેમ જણાવ્યું હતું.