ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના: ૧૫થી વધુની ધરપકડ, મસ્જિદમાંથી પથ્થરો મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેડા જિલ્લાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો કરનાર ૧૫થી વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં બે કાઉન્સિલરનો પણ સમાવેશ થાય છે. શિવજીની યાત્રા પર પથ્થર મારવાના મામલામાં ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી હતી. ઠાસરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પોલીસે કોમ્બિંગ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરામાં તીન બત્તી પાસે આવેલ મસ્જિદ પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે મસ્જિદ પર તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન મસ્જિદમાં મોટા પ્રમાણમાં પથ્થરો જોવા મળ્યા હતા. મુસ્લિમ ફરિયાદીએ ૧૫૦૦ હિંદુઓના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તો બીજી તરફ ફરિયાદીએ ૧૭ લઘુમતી કોમના લોકો સામે નામ જોગ અને અન્ય ૫૦ લઘુમતી સમાજના લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઠાસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી કામગીરીમાં દખલ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ચાર શખસો સામે નામજોગ અને ૭૦ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી સૈયદ નિયાઝઅલી મહેબૂબઅલી, પઠાણ ઈમરાનખાન અલીખાન, સૈયદ ઈર્શાદઅલી કમરઅલી, સૈયદ શકીલ અહેમદ આસીફઅલી, મલેક શબ્બીરહુસૈન અહેમદમિયાં, સૈયદ મહંમદ અમીન મનસુરઅલી, સૈયદ મહંમદકૈફ લિયાકતઅલી, તોહીદ પઠાણ, શોબીન પઠાણ, કાસીમ પઠાણ, સહિતની ધરપકડ કરી હતી. ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થર મારાના મામલે ઠાસરા પોલીસ દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે શિવજીની યાત્રા પર પથ્થરમારો કરાયો હતો, જેના પછી સમગ્ર ઠાસરા શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી પોલીસે કુલ ૧૫થી વધુ લોકોની અટકાયત
કરી છે.