સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ‘દાદા’ મારશે માસ્ટરસ્ટ્રોકઃ 17 નવા તાલુકાની થશે રચના

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 17 જેટલા નવા તાલુકાની રચના થશે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થીઓની ચૂંટણી પહેલા આ તાલુકા અસ્તિત્વમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15થી 17 જેટલા નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે સરકારી કામકાજ વધુ સરળ બનશે.
જાન્યુ.-ફેબ્રુ.માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થઈ શકે
હાલમાં, સરકારી કામ માટે લોકોને દૂરના સ્થળોએ જવું પડે છે, પરંતુ નવા તાલુકા બનવાથી નાગરિકોને આ સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ થશે. આનાથી લોકોનો સમય અને મહેનત બંને બચશે. આ નવા તાલુકાઓનો સમાવેશ આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે નવા સીમાંકનોની જાહેરાત
રાજ્ય સરકારે તાજેતરમાં કેટલીક મ્યુનિસિપલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે નવા સીમાંકનોની જાહેરાત કરી હતી. બહુચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજ્યમાં એક નવો જિલ્લો અને તાલુકો ઉભરી આવ્યો છે, જેમાં બનાસકાંઠાનું વિભાજન થયું છે. વધુમાં, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના 33 જિલ્લાઓમાં 17 નવા તાલુકાઓની રચના થઈ શકે છે.
9 નગરપાલિકાને 9 મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, 2025ની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં 9 નગરપાલિકાને 9 મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો હતો. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. આ પહેલા રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં હતી.
આ પણ વાંચો…સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં, પ્રધાનમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને ગયા હોવાની ચર્ચા