હવે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સડસડાટ પહોંચી જશો, રાજ્ય સરકારે જાહેર કર્યો પ્રોજેક્ટ

અમદાવાદઃ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Vadodara to Statue of unity) પહોંચવું પ્રવાસીઓ માટે હવે સરળ બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટેની મંજૂરી આપી છે, આ પ્રોજેક્ટ માટે રૂ. 381.16 કરોડ ફાળવવામાં આવ્યા છે.
હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી:
સરદાર સરોવર બંધ-એક્તા નગરમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નું નિર્માણ કરવા,અ આવ્યું છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે, ઉપરાંત સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે.
વુડા હદથી ડભોઇ સુધી ચાર માર્ગીય રોડ બનશે:
મુખ્યપ્રધાન આપેલી મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-1ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંક્શન થી વુડાની હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડ બનશે, વુડા હદ થી ડભોઇ સુધી 25 કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ફોર લેન રોડ બનશે. આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. ત્યાર બાદ રતનપુર ચોકડી પર તથા થુવાવી જંક્શન ઉપર છ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ચાર માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર
દિવ્યાંગ વ્યક્તિઓ સહિતના જૂથને ટિકિટમાં 50 ટકા રાહત મળશે:
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જોકે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ. તેમને પણ રાહત મળશે. જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો 15 કરતા ઓછા સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે