આગામી 24 કલાક બાદ રાજ્યનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે: હવામાન વિભાગ

રાજ્યના લોકો છેલ્લા ત્રણ દિવસથી ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવામાન વિભાગે મોટી રાહત આપતી આગાહી કરી છે. હવામાન વિભાગની આગામી દિવસો માટેની આગાહી અનુસાર, આગામી 24 કલાક બાદ સમગ્ર રાજ્યનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર દિશા તરફની હતી, જે હવે બદલાઈને ઉત્તર-પશ્ચિમી અને ઉત્તર દિશા તરફની થઈ છે. એને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદના આકાશમાં છૂટાછવાયાં વાદળો બંધાયાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની શક્યતા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન આગાહી અનુસાર પોરબંદર, જૂનાગઢ ભાવનગર અને સુરતમાં પણ હીટવેવની અસર વર્તાઈ હતી. જ્યારે આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢમાં હીટવેવની શક્યતા છે.
એ. કે. દાસે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ ગઈકાલે અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજરોજ એક ડિગ્રી જેટલા ઘટાડા સાથે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્શિયસ સુધી રહેવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમી અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણનો અહેસાસ થશે, જ્યારે અમદાવાદમાં પણ ગરમીથી આંશિક રાહતનો અનુભવ થઇ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબ સાગર પરથી વાદળો ગુજરાત તરફ ખેંચાઈ આવે છે અને પવનની દિશા પણ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફની હોવાથી અમદાવાદ શહેરમાં સવારથી જ આકાશમાં ક્યાંક વાદળો દેખાઈ રહ્યાં છે, પરંતુ વાતાવરણનો ઉપરી સ્તર પર વાદળો બંધાવાને કારણે વરસાદી વાદળ હોતાં નથી, પરંતુ એને કારણે વાતાવરણમાં મોન્સ્ટર ઈન્કર્શન થાય છે, જેથી આગામી 24 કલાક બાદ અસહ્ય ગરમીથી થોડી રાહત મળે તેવી આશા છે.