સુરતમાં એસટી કર્મચારીઓનો કાળી પટ્ટી પહેરી વિરોધ: પડતર માગણીઓ ન સંતોષાય તો માસ સીએલની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત રાજ્ય એસટી નિગમ બોર્ડના કર્મચારીઓએ પડતર માગોનું નિરાકરણ ના આવતા કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો હતો. સુરત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા આજે મધ્યસ્થ બસ સ્ટેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાથી લાગુ કરાયેલા પગાર પંચની સુવિધા એસટી કર્મચારીઓને ન મળતા વિરોધ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ ૩૦ ઑક્ટોબર સુધીમાં માગ પૂરી નહીં થાય તો ત્રણ નવેમ્બરે એક સાથે તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી વિરોધની ચીમકી આપી હતી.
જુદી જુદી પડતર માગો પૂરી કરવા વિરોધ: ગુજરાત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ન મળતો હોવાથી વિરોધ દર્શાવી રહ્યા છે. કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ગુજરાત એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેનો લાભ એસટી કર્મચારીઓને આપવામાં આવ્યો નથી. સાતમા પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યા નથી. સરકારે હાલમાં ફિક્સ પગારે કામ કરતા રાજ્ય સરકારના કર્મચારીઓનો ૩૦ ટકા પગાર વધારો જાહેર કર્યો છે, પરંતુ તે લાભ પણ એસટી નિગમના કર્મચારીઓને આપવામાં આવ્યો નથી. જે અંગેની વિવિધ ૧૦ જેટલી માગો પૂરી નહીં થતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
ગુજરાત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે જુદાં જુદાં પ્રકારના વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા છે.
આજે કાળી પટ્ટી બાંધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. હવે ૨૭થી ૩૦ તારીખ સુધી પોતાની માગને લઈ કર્મચારીઓ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરીને નોકરી પર આવી વિરોધ દર્શાવશે. આ સાથે ચીમકી ઉચ્ચારતા વધુમાં જણાવ્યું હતું કે, ૨ નવેમ્બર સુધી સરકાર દ્વારા જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ત્રણ નવેમ્બરના રોજ એક સાથે ગુજરાતના એસટી નિગમના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.