વર્લ્ડ કપની ખેલાડી રાધા યાદવ વડોદરાના પૂરમાં ફસાઈ અને પછી…
વડોદરા: ગુજરાતમાં ઘણા દિવસોથી મુશળધાર વરસાદને લીધે રાજ્યના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ છે અને એમાં વડોદરા શહેર પણ બાકાત નથી. મુંબઈમાં જન્મેલી ભારતીય ઑલરાઉન્ડર રાધા યાદવ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા દળની મદદથી તેને બચાવી લેવામાં આવી હતી.
રાધા યાદવે ઇન્સ્ટાગ્રામ પર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન. ડી. આર. એફ.)ના જવાનો અને કાર્યકરોનો ખૂબ આભાર માન્યો છે.
24 વર્ષની લેફટ આર્મ સ્પિનર રાધા યાદવે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ‘હું અને બીજા કેટલાક લોકો પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયાં હતાં, પરંતુ એન. ડી. આર એફ.ના જવાનોએ અમને બચાવી લીધા હતા અને હેમખેમ સુરક્ષિત સ્થાને પહોંચાડ્યાં હતાં.’
આગામી ત્રીજી ઓક્ટોબરથી યુએઈમાં રમનારા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં રાધા યાદવનો સમાવેશ છે.
રાધા યાદવ ભારત વતી છેલ્લે એશિયા કપમાં રમી હતી જેમાં તેણે બાંગ્લાદેશ સામેની સેમિ ફાઇનલમાં ત્રણ વિકેટ લીધી હતી. ભારતીય ટીમે એ મૅચ 10 વિકેટથી જીતી લીધી હતી. જોકે ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતનો પરાજય થયો હતો.
રાધા યાદવ ભારત વતી 80 ટી-20 રમી છે જેમાં તેણે 90 વિકેટ લીધી છે. તેને હજી સુધી માત્ર ચાર વન-ડે રમવા મળી છે.