Gujarat માં મહારાષ્ટ્ર ચૂંટણી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના અટકળો તેજ
ગાંધીનગર: ગુજરાતમાં(Gujarat)દિવાળી બાદ ભાજપના સંગઠન અને સરકારમાં બદલાવની ચાલી રહેલી ચર્ચાઓ હવે વધુ તેજ બની છે. જેમાં મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ચાલી રહી છે. હાલ રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 થી વધીને 161 થઈ છે. તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા નેતાઓને પણ મંત્રીપદ આપવાના કરાયેલા વાયદાને પગલે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. જેમાં હાલ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 16 મંત્રીઓ છે જેમની પાસે 28 મંત્રાલયોની જવાબદારી છે. જેમાં આઠ કેબિનેટ મિનિસ્ટર અને આઠ રાજ્યકક્ષાના મંત્રી છે. જો કે છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે. આ અંગે ભાજપ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મૂળ ભાજપના અને આયાતી નેતાઓનું બેલેન્સ જાળવવા પ્રયાસ
મંત્રીમંડળ વિસ્તરણ એ ભાજપના મૂળ નેતાઓ અને તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ વચ્ચે સંતુલન જાળવવા માટેનો પ્રયાસ છે. જેમાં હાલમાં કોંગ્રેસમાંથી ભાજપ આવીને વિધાનસભા ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડીયા અને સી. જે. ચાવડાને મંત્રીમંડળમાં સમાવવામાં આવે તેવી ચર્ચા છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. તેમજ ભાજપ બનાસકાંઠામાં લોકસભાની બેઠક હાર્યા બાદ ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવાનો પણ પ્રયાસ કરી રહી છે.
Also Read – પોલીસ જ સલામત નથી! માંડવીના પોલીસ મથકમાં જ પોલીસ કર્મીઓ પર ઘાતક હુમલો
ચાર થી પાંચ મંત્રીઓને પડતા પણ મૂકવાની શકયતા
જેમાં મળતી માહિતી મુજબ જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો અગાઉ જેમને વાયદો કર્યો હતો તેવા કોંગ્રેસમાંથી આવેલા બે નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની દાવેદારી પણ પ્રબળ બનશે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રની ચૂંટણી પછી મંત્રીમંડળનુ વિસ્તરણ કરવામાં આવશે. જેમાં નિષ્ક્રિય રહેલા ચાર થી પાંચ મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવી શકે તેમ છે. તેમજ વિસ્તરણ થયેલી મંત્રીમંડળનું કદ 23 સભ્યો થાય તેવી શકયતા છે.