ગુજરાતની ભાજપ સરકારમાં નવાજૂનીના એંધાણ વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાનની બેઠકથી અટકળો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોના રાજીનામા વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બુધવારના રાતે લાંબી બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૧૨ ડિસેમ્બરે તેમની બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું હતું. આ
સમયે એકાએક સીએમ દિલ્હી પહોંચતાં ગુજરાતમાં પણ અનેક ચર્ચાઓ જાગી છે.
ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ કેબિનેટ વિસ્તરણની ફરી અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે બીજી બાજુ તા.૨૦મી ડિસેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં ગુજરાતની ચર્ચા થઈ હતી. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની તૈયારીઓ અંગે વડા પ્રધાન મોદીને માહિતી આપી હતી, ત્યારે રાજ્યના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાનની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું ગુજરાતમાં કઇંક મોટું થવાનું છે. સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની આ મુલાકાત લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ બેઠકમાં સરકારની કામગીરી અને ૨૦૨૪ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી છે. જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓના છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે. પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી હોવા ઉપરાંત ગાંધીનગર સ્થિત કમલમના પ્રભારી પણ હતા. હવે જોવાનું એ રહે છે કે રાજ્યમાં ૨૦૨૪ની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં.
રાજ્યમાં અનેક કોર્પોરેશનોમાં ચેરમેનની જગ્યાઓ પણ ખાલી પડી છે. આના પર પણ નિમણૂકો થવાની બાકી છે.