શંકરસિંહ વાઘેલાએ BAPના નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ
લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોના નેતાઓ તેમની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે. ગુજરાતના રાજકારણના બે દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતા રાજકારણ ગરમાયું છે. આ બે કદાવાર નેતાઓની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ભારત આદિવાસી પાર્ટી (BAP)ના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા વચ્ચે મુલાકાત અંગે અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત કોંગ્રેસ નેતા અને ભરૂચ જિલ્લાના સહકારી આગેવાન સંદીપ માંગરોલા પણ શંકરસિંહ સાથેની મુલાકાતમાં જોડાયા હતા.
ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી @ShankersinhBapu જી સાથે શુભેચ્છા મુલાકાત
— Chhotubhai Vasava (@Chhotu_Vasava) April 10, 2024
સાથે બાપ પાર્ટીના ઉમ્મીવાર@VasavaOffice અને આગેવાનો શ્રી રાજુભાઇ વસાવા,શ્રી કિશોરભાઈ વસાવા, શ્રી અંબાલાલ જાદવ, શ્રી વિજયભાઈ વસાવા તથા
ભરૂચ જિલ્લા ના સહકારી આગેવાન શ્રી સંદીપ માંગરોલા @abpasmitatv pic.twitter.com/UJblXGotGa
જો કે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થયેલી આ મુલાકાત દરમિયાન કયા મુદ્દે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી. બંને નેતાઓએ મુલાકાત બાદ ફોટા પડાવ્યા હતા પણ તેમની ચર્ચા અંગે કોઈ માહિતી મીડિયાને આપી નહોંતી. છોટુભાઈ વસાવાએ શંકરસિંહ વાઘેલા સાથેની આ મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કર્યા હતા અને તેને એક શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
ઉલ્લેખનિય છે કે ગુજરાતની તમામ 26 સીટોમાં સૌથી હાઈપ્રોફાઈલ મનાતી ભરૂચ બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટી (BAP)એ દિલીપ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. આ દિલીપ વસાવા BAPના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવાના નાના પુત્ર છે.
ભરૂચ સીટ પર આ વખતે ત્રણ આદિવાસી દિગ્ગજો ચૂંટણીના મેદાનમાં છે. હકીકતમાં આ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ભાજપ ઉમેદવાર અને સીટિંગ સાંસદ મનસુખ વસાવા વચ્ચે જંગ જામવાનો હતો. જો કે હવે ભારતીય આદિવાસી પાર્ટી (BAP)એ વધુ એક વસાવાને આ બેઠક પરથી મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.