અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન
અમદાવાદ: શહેરથી અયોધ્યા સુધી રથયાત્રા યોજાશે. ૧૪૦૦ કિલોમીટરની આ રથયાત્રા ૧૪ શહેરમાંથી પસાર થઈને ૨૦મીએ અયોધ્યા પહોંચનાર છે તા. ૮મી જાન્યુઆરીએ આ રથયાત્રાનું અમદાવાદથી પ્રસ્થાન થશે, જે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. રામલલ્લા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં આ રથયાત્રા અયોધ્યા પહોંચશે. પ્રાપ્ત માહિતી અનુસાર રથયાત્રા ગુજરાત-મધ્ય પ્રદેશ- ઉત્તર પ્રદેશનાં ૧૪ શહેરમાંથી ૧૪૦૦ કિમીનું અંતર કાપીને ૨૦ જાન્યુઆરીએ રામનગરી અયોધ્યા પહોંચશે. આ રથ ૨૦ ફૂટ લાંબો અને ૮ ફૂટ પહોળો કરવામાં આવશે. રથની આગળ છ ફૂટની હનુમાનજીની પ્રતિમા રહેશે, જ્યારે રથમાં ૫૦૦ ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મૂકવામાં આવશે. હાલમાં આશરે ૧૦ થી વધુ કારીગરો આ રથને તૈયાર કરી રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ૫૧ લાખ રૂપિયા છે. યાત્રાનું આયોજન કરાવમાં આવ્યું છે, જેમાં કુલ ૧૦૦૮ જેટલાં લોકો જોડાશે. આશરે ૫૦ કરોડનું દાન પણ આ યાત્રામાં એકત્રિત કરવામાં આવશે. આ રથયાત્રાની વિશેષતા એ છે કે રથમાં ૨૪ કલાક સુધી અખંડ રામધૂન થશે. એક જ રથમાં ૧૫ જેટલાં બ્રાહ્મણ દ્વારા આ ધૂન કરવામાં આવશે, જેમાં યાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.