દિવાળી પર વતન જતા લોકો માટે ખુશખબર, અમદાવાદથી દોડશે 16 સ્પેશિયલ ટ્રેનો…
અમદાવાદઃ અમદાવાદથી દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનોમાં દિવાળી અને છઠ પૂજાને લઈને વેઈટિંગ લિસ્ટ 300ને પાર પહોંચી ગયું છે. હજુ પણ લોકો દ્વારા ટિકિટ બુક કરવામાં આવી રહી છે. મુસાફરોની સરળતા માટે રેલવે વિભાગ અમદાવાદથી વધુ 16 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
વિશેષ ટ્રેનોની 57 ટ્રીપ:
રેલવે અધિકારીના જણાવ્યા મુજબ ટ્રેનોમાં પેસેન્જરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં રેલવે દ્વારા 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદથી 21મી ઓક્ટોબરથી 10મી નવેમ્બર સુધી 16 સાપ્તાહિક વિશેષ ટ્રેનોની 57 ટ્રીપ દોડાવવામાં આવશે.
ઉત્તર ભારત તરફ દોડનારી વિશેષ ટ્રેનો:
આ ટ્રેનોમાં અમદાવાદથી પટના, દરભંગા, દાનાપુર, બરૌની, કાનપુર સેન્ટ્રલ, આગ્રા કેન્ટ અને તિરુચિરાપલ્લી માટે તેમજ ગાંધીધામથી ભાગલપુર અને બાંદ્રા ટર્મિનસ માટે, સાબરમતીથી પટના, સીતામઢી અને હરિદ્વાર માટે ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન અને સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક ટ્રેનોનો ફેસ્ટિવલ સ્પેશિયલનો સમાવેશ થાય છે.