ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…

અમદાવાદઃ રાજ્યમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યમાં પણ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવી શકે છે. કેન્દ્રીય ચૂંટણીપંચ ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રો મુજબ, રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ મતદાર યાદી સુધારણાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્યની તમામ વિધાનસભા બેઠકોએ બીએલઓની નિમણૂક કરવાની શરૂઆત થઈ છે. બીએલઓ ઘરે ઘરે જઈને મતદારયાદીની ચકાસણી કરશે અને નવા મતદારોના નામ યાદીમાં ઉમેરશે.
આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીને સંપૂર્ણપણે અપડેટ કરી ડુપ્લિકેટ મતદારોને દૂર કરવાનો છે. આ ઉપરાંત ગેરકાયદે વસાહતોની ઓળખ કરીને વિદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવાની કામગીરી પણ કરાશે. સમગ્ર પ્રક્રિયા પાછળનો હેતુ મતદાર મૂળ ભારતીય નાગરિક છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજ્યમાં કૉંગ્રેસે નવસારીમાં ભૂતિયા મતદારો હોવાની વિગતો જાહેર કરી હતી.



