આપણું ગુજરાત

નૈઋત્યનું ચોમાસું વધી રહ્યું છે આગળ : ગુજરાતના ઘણા ભાગોમાં આજે મેઘમહેર યથવાત

વલસાડ : રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 12 જૂન સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે સવારે વલસાડ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી, ત્યારબાદ ભરૂચ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર હવે નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી ચૂક્યું છે. જેની અસરના ભાગરૂપે રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદની અસર જોવા મળી રહી છે. આજે ભરૂચ જિલ્લાના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તવરા નજીક જાહેર માર્ગ પર વરસાદના લીધે એક વૃક્ષ ધરાશાયી થઈ જતાં એક ગાડી અને રિક્ષા દબાઈ હતી. રિક્ષા પર વૃક્ષ પડતાં તેમાં સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. અન્ય ઘાયલ લોકોને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કારવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ, અનેક જિલ્લાઓ રહેશે વરસાદી માહોલ

સાથે જ દક્ષિણ ગુજરાતનાં તાપીમાં પણ વરસાદ પડ્યો હતો. તાપીના વ્યારા, સોનગઢ સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો છે. સુરતમાં આજે વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ બાદ વરસાદ પડ્યો હતો, ઉમરપાડા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તે સિવાય મહીસાગરના બાલાસિનોર અને દાહોદના ગરબાડામાં પણ વરસાદ નોંધાયો છે.

આજ સવારે વલસાડના વાપી તાલુકાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ગઇકાલે વલસાડ જિલ્લાના ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લાના કપરાડા તાલુકામાં 6 મીમી અને વલસાડ તાલુકામાં 3 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. પડી રહેલી આકરી ગરમીમાં પડેલા વરસાદના લીધે ઠંડક પ્રસરી હતી.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો હતો. અમરેલીના ખાંભામાં પણ વરસાદ નોંધાયો હતો, ગઇકાલે ધારી સહિતના તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button