
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં 2.09 ઈંચ, પારડીમાં 1.85 ઈંચ, વ્યારામાં 1.81 ઈંચ, વાલોડમાં 1.73 ઈંચ, મહુવા(સુરત)માં 1.54 ઈંચ, ખેરગામમાં 1.18 ઈંચ, કપરાડામાં 0.94 ઈંચ, વલસાડમાં 0.83 ઈંચ, વઘાઈમાં 0.79 ઈંચ, ડાંગ-આહવામાં 0.71 ઈંચ, સોનગઢમાં 0.67 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છ તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 66 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54.67 ટકા થયો છે. કચ્છ ઝોનમાં 63.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.91 ટકા, પૂર્વ મધ્યમાં 51.29 ટકા, સૌરાષ્ટ્રમાં 53.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57.89 ટકા વરસાદ પડી ચુક્યો છે. સરદાર સરોવર ડેમ 58.44 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયમાં 60.60 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં 48 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 28 ડેમ 100 ટકા ભરાયેલા છે. હવામાન વિભાગે રાજ્યમાાં 27 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના છે. મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. 25 જુલાઈ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.