ગુજરાતીઓમાં ભારતીય નાગરિકતા છોડવાનું ચલણ વધ્યું, આ દેશોમાં સ્થાયી થઇ રહ્યા છે
અમદાવાદ: વેપાર-ધંધા માટે વિદેશમાં વસવાટનું ચલણ ગુજરાતીઓમાં વર્ષોથી રહ્યું છે, દર વર્ષે ઉચ્ચ શિક્ષણ અને નોકરી માટે પણ લાખો ગુજરાતી યુવાનો વિદેશ જઈ રહ્યા છે. એવામાં ઘણા લોકો કાયમ માટે ત્યાં જ વસી જતા હોય છે. વિદેશમાં વસતા ગુજરાતીમાં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરીને વિદેશમાં જ સ્થાયી થવાના બનાવો વધી રહ્યા છે. પાસપોર્ટ સરેન્ડર કરનારા ગુજરાતીઓની સંખ્યા એક વર્ષમાં બમણી થઈ ગઈ છે.
એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2021 થી, 1187 લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. 2023માં 485 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા, જે 2022માં સરેન્ડર કરાયેલા 241 પાસપોર્ટ કરતા બમણા છે. આમ ગુજરાતીઓમાં ભારતીય નાગરિકતા છોડવાનું ચલણ વધી રહ્યું છે.
એક અખબારી અહેવાલ મુજબ સ્થાનિક પાસપોર્ટ ઓફિસના ડેટામાં જણાવવામાં આવ્યું કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને નર્મદા સહિતના વિસ્તારોના લોકો પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે. મે 2024માં આ આંકડો 244 પર પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે જેમણે પાસપોર્ટ સરેન્ડર કર્યા છે તેમાં 30 થી 45 વર્ષની વયના લોકો છે. આમાંના મોટાભાગના લોકો અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.
સંસદીય આંકડાઓ મુજબ, 2014 થી 2022 વચ્ચે ગુજરાતના 22,300 લોકોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. દિલ્હીના સૌથી વધુ 60,414 અને પંજાબના 28,117 લોકો પછી ગુજરાત ત્રીજા નંબરે છે. ખાસ કરીને કોવિડ સમયગાળા આ આંકડાઓ વધી રહ્યા છે.
અધિકારીના જણાવ્યા મુજબ કે મોટાભાગના યુવાનો અભ્યાસ માટે વિદેશ જાય છે અને બાદમાં તેઓ ત્યાં સ્થાયી થાય છે. એક પાસપોર્ટ કન્સલ્ટન્ટના જન્વાવ્યા મુજબ 2028 સુધીમાં, પાસપોર્ટ સોંપનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થશે કારણ કે જે લોકો વિદેશ પહોંચી ગયા છે તેઓને ત્યાંની નાગરિકતા મળી રહી છે.