આપણું ગુજરાત

ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકનારું દેશનું પ્રથમ રાજ્ય હતું ગુજરાત, 2.15 કરોડ ધરતીપુત્રોએ લીધો લાભ

સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખાતરનો ખર્ચ ઘટ્યો અને ઉપજમાં વધારો થયો

ગાંધીનગર: ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. સ્વસ્થ ધરા, ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

ગુજરાત સોઇલ હેલ્થ કાર્ડ જેવી નવતર યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય

રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી કરવા અને તેને ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-04માં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના અને તેના ફાયદાઓ વિશે જાગરૂકતા લાવવા માટે ભારત દર વર્ષે 19 ફેબ્રુઆરીએ સોઇલ હેલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરે છે.

શું છે સોઇલ હેલ્થ કાર્ડ?

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં નમૂનાનું પૃથ્થકરણ કરીને, સોફ્ટવેર આધારિત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોની માત્રા દર્શાવે છે, જેમાં હાલ કુલ 12 તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn, OC, S, B, Mn) નું પ્રમાણ દર્શાવવામાં આવે છે. જેને આધારે ખેડૂતોને કયા પ્રકારના ખાતર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તેની વૈજ્ઞાનિક ભલામણ સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે મળી શકે છે. આ પ્રક્રિયાથી બિનજરૂરી કેમિકલયુક્ત ખાતરોના અતિશય ઉપયોગ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં સહાય મળે છે.

ગુજરાતમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનું વ્યાપક અમલીકરણ

વર્ષ 2003-04માં લૉન્ચ થયેલી આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને તેમની જમીનની સ્થિતિ અંગે વ્યાપક માહિતી પૂરી પાડીને તેમને સશક્ત કરવાનો હતો. યોજના લાગુ કર્યા પછી, SHC યોજનાનો પ્રથમ તબક્કો 2003-04થી 2010-11 દરમિયાન અને બીજો તબક્કો 2011-12થી 2015-16 દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ગુજરાતના 43.03 લાખથી વધુ ખેડૂતોને અને દ્વિતીય તબક્કામાં આશરે 46.92 લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે આપવામાં કરવામાં આવ્યા. ગુજરાતમાં મળેલી સફળતા બાદ વર્ષ 2015-16માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી. જે અંતર્ગત તૃતીય તબક્કામાં વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં ભારત સરકારની યોજના હેઠળ રાજ્યના 1.25 કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ

છેલ્લા એક દાયકામાં આ યોજનાને કારણે ખેડૂતો તેમની જમીનમાં રહેલી મુખ્ય ખામીઓથી વાકેફ થયા છે અને સાથે જ સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરોનો ઉપયોગ પણ વધાર્યો છે. વર્ષ 2023-24માં SHC પોર્ટલ ના આધારે 1,78,634 માટીના નમૂનાઓ ઓનલાઈન એકત્રિત કરવામાં આવ્યા હતા અને 1,78,286 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2024-25માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો ખરીફ ઋતુ માટેનો લક્ષ્યાંક 3,81,000 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, કારણકે ખરીફ-2024 સીઝન સુધીમાં 3,82,215 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 3,70,000 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયું છે. ઉપરાંત રવિ-2025 સીઝનમાં 2,35,426 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે જે પૈકી 13,657 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયું છે. બાકીના નમૂનાઓની પરીક્ષણની કામગીરી પ્રગતિમાં છે.

આ લક્ષ્યાંકોને પહોંચી વળવા તેમજ સમયસર પૃથ્થકરણ કરીને સોઇલ હેલ્થ કાર્ડનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા માટે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સરકારના પ્રયાસો ચાલું છે. જમીનના નમૂનાના પૃથ્થકરણ માટે અત્યારે ગુજરાતમાં કુલ 19 જમીન ચકાસણી પ્રયોગશાળા તેમજ 01 એક સૂક્ષ્મ તત્વ ચકાસણી પ્રયોગશાળા કૃષિ વિભાગ હેઠળ કાર્યરત છે. દરેક લેબોરેટરીની વાર્ષિક 10,000-11,000 નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા છે. આ ક્ષમતા વધારવા માટે સરકારી સહાયથી 27 ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી એટલે કે ગ્રામ્ય સ્તરની લેબોરેટરી પણ સ્થાપિત કરવામાં આવી છે. દરેક ખાનગી લેબોરેટરી પણ વાર્ષિક 3,000 જેટલા માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે સજ્જ છે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં, જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદકતા વધારવા અને તેમની જમીનને અનુરૂપ પાક ઉગાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ઇનપુટ ખર્ચ ઘટાડે છે, આર્થિક વળતરમાં વધારો કરે છે અને ખેતી પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button