શાકભાજીના ભાવો માત્ર ગૃહિણીઓને જ નહીં, આ બધાને પણ રડાવે છે

અમદાવાદઃ રૂ. સોના ટમેટાં, રૂ. 50ના બટેટા અને રૂ. 40ના કિલો કાંદા મળતા હોય ત્યારે ગરીબો અને મધ્યમવર્ગીયો માટે તો બે ટંકનું ખાવાનું પણ ચિંતાનો વિષય બની જતું હોય છે અને ગૃહિણીઓ મુંઝવણ અનુભવતી હોય છે, પણ તેમના સિવાય પણ એક મોટો વર્ગ છે જેમણે પ્રત્યક્ષ રીતે આ મોંઘવારીનો માર ઝીલલો પડે છે.
ગુજરાતમાં ફરી એક વખત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જેમાં વિવિધ શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા કિલોને પાર પહોંચ્યો છે. બટેકા રૂપિયા 50 કિલો, ડુંગળી રૂપિયા 40 કિલો, બીટ રૂપિયા 60 કિલો થયુ છે. તેમજ ચોમાસાને પગલે લીલા શાકભાજીની આવક ઓછી થઇ છે. તેથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે.
મેથી રૂ.120 કિલો, પાલક 70 રૂ.કિલો, કોથમીર 100 રૂ.કિલો તેમજ ગવાર 140, ચોળી 200, ટિંડોળા 120 રૂપિયા કિલો થયા છે. એકપણ શાક સસ્તું કે પોષાય તેવું નથી ત્યારે જે સમસ્યાઓ ગૃહિણીઓને નડી રહી છે તે ટિફિન સર્વિસ આપનારાથી માંડી મોટા રેસ્ટોરાંવાળાને પણ નડી રહી છે.
રસ્તા પર ઊભી રહેતી ખાણીપીણીની હજારો લારીઓવાળા પણ મોંઘા શાકભાજી અને સિંગતેલ સહિતના ભાવથી ત્રસ્ત છે. એક તરફ ગ્રાહકને ટેસ્ટી અને સારું ફૂડ જોઈએ છે જ્યારે બીજી તરફ તેમને શાકભાજી પોસાતા નથી. ભાવ વધે તેમ તેઓ તેમની ફૂડ આઈટમ્સના ભાવ વધારી શકતા નથી.
આ પણ વાંચો : અંતે વિરોધ સામે સરકારે નમતું જોખી GMERS હસ્તકની કોલેજોમાં કર્યો ફી ઘટાડો
પાણીપુરીવાળાએ પણ બટાકા, ચણા, વટાણા, કાંદા, લીલા મરચાં, લીંબુ સહિતની વસ્તુઓની જરૂર પડે છે. એક તરફ આપણે ખાણીપીણીની વસ્તુઓમાં ગુણવત્તા માગીએ છીએ અને બીજી બાજુ મોંઘવારીનો સતત ચડતો ગ્રાફ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલાઓને નુકસાન પહોંચાડી રહ્યો છે.
વરસાદને લીધે લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે અને વાહનવ્યવહારને પણ અસર થઈ છે, જેથી હજુ થોડા સમય સુધી ભાવમાં ઘટાડો નહીં થાય.