ઉત્તર ભારતના પહાડોમાં હિમવર્ષા, આગામી દિવસોમાં ગુજરાત ઠરશે
અમદાવાદઃ નવેમ્બર મહિનાના 15 દિવસ પુરા થવા છતાં ગુજરાતમાં હજુ ઠંડીનો ચમકારો જોવા નથી મળ્યો. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજયમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન અમરેલીમાં સૌથી નીચું નોંધાયુ હતુ. એવામાં આગામી થોડા દિવસોમાં લોકોને ઠંડીનો અનુભવ થાય એવી શક્યતા છે.
હવામાન વિભાગે કરી આગાહી:
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે, જ્યારે પવન ઉત્તર દિશાના હોય ત્યારે ત્યાંથી અહીં ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા હોય છે. હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હાલ ચારથી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં 17મી થી 20મી નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે.
હાલ રાજ્યમાં આવું વાતાવરણ:
રાજ્યમાં બુધવારે મહત્તમ તાપમાન રાજકોટમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત કંડલા પોર્ટ, વલ્લભ વિદ્યાનગર, ભુજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નલિયા અને ગાંધીનગરમાં 35 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. વડોદરા, વેરાવળ, અમરેલી, સુરત, દ્વારકા, પોરબંદરમાં 34 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે.
Also Read – ગિરનાર લીલી પરિક્રમા: 48 કલાકમાં 9 લોકોનાં મોત, ડોકટરે યાત્રાળુઓને આપી આવી સલાહ
રાજ્યના લઘુત્તમ તાપમાન અમરેલીમાં 17.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે કેશોદમાં 18 ડિગ્રી, મહુવામાં 19 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી , પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી, નલિયામાં 19 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી, અમદાવાદમાં 20 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 21 ડિગ્રી, ભાવનગરમાં 21 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 21 ડિગ્રી, ભુજમાં 22 ડિગ્રી, સુરતમાં 23 ડિગ્રી, વેરાવળમાં 23 ડિગ્રી, કંડલા પોર્ટમાં 23 ડિગ્રી, દ્વારકામાં 24 ડિગ્રી અને ઓખામાં 26 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.