ગુજરાતમાં આજે બપોરના બે વાગ્યા સુધીમાં 25 તાલુકામાં ધીમી ધારે વરસાદઃ ખેડૂતોમાં ઉચાટ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ આવું આવું કરે છે, પરંતુ વરસતો નથી. રોજ વાદળો ઘેરાઈ છે અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રસ્તા ભીનાં કરી દે છે, પરંતુ મન મૂકીને વરસતો નથી. દક્ષિણ ગુજરાતના એકાદ બે તાલુકાને બાદ કરતા સવાથી બપોરે બે વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ પણ વરસ્યો નથી. ગુજરાતમાં 10 જૂનથી વરસાદની પધરામણીના સમાચારો વચ્ચે આજે 20 તારીખ થઈ ગઈ છે, પરંતુ વરસાદે હજુ દસ્તક દીધી નથી. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી અને બફારો સતત વધી રહ્યો છે. અમદાવાદમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે.
વરસાદના આંકડાની વાત કરીએ તો સવારે આજે છ થી બપોરના બે વાગ્યા સુધીમાં પુરા થતા છેલ્લા આઠ કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 33 મીમી, સુરતના ચોર્યાશીમાં 22 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડનો ધખધખતો રિપોર્ટ થઈ રહ્યો છે તૈયારઃ બે દિવસમાં રજૂ કરાય તેવી સંભાવના
તાપીના કુકરમુન્ડામાં 13 મીમી વરસાદ વરસયો છે. આ ઉપરાંત નવસારીના જલાલપોરમાં 14 મીમી અને ઉમરગાંવમાં 18 મીમી નર્મદાના નાંદોદમાં 10 મીમી, અને ભરૂચના નેત્રંગમાં છ મીમી વરસાદ ખાબક્યો છે. તેમજ તિલકવાડા, આમોદ, ચીખલી અને પારડીમાં 3-3 મીમી, નવસારી, ગણદેવી અને વલસાડમાં બે-બે મીમી અને નસવાડીમાં એક મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માગરોલ, મહુવા, નસવાડીમાં એક મીમી વરસાદ નોંધાયો છે
દરમિયાન રાજ્યમાં ગુરૂવારે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરગાંવમાં 66 મીમી, વલસાડ તાલુકામાં 56 મીમી, વાપીમાં 27 મીમી, પારડીમાં 24 મીમી, કપરાડામાં પાંચ મીમી અને ધરમપુરમાં ત્રણ મીમી વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના પલસાણામાં 35 મીમી, નવસારીના જલાલપોરમાં 34 મીમી, નવસારી તાલુકામાં 28 મીમી, ચીખલીમાં 20 મીમી, ડાંગ-આહ્વામાં 13 મીમી, વાલિયામાં 12 મીમી અને ઓલપાડમાં 11 મીમી વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના વેરાવળમાં સાત મીમી, ગણદેવીમાં સાત મીમી, કપરાડા, ખેરગામ, કરજણ, બારડોલી અને કામરેજમાં પાંચ-પાંચ મીમી, હાંસોટ, સુરત શહેર અને ખાંભામાં ચાર-ચાર મીમી, મેંદરડા, ચોર્યાસી અને ધરમપુરમાં ત્રણ-ત્રણ મીમી, તલાલા, તળાજા, મહુવા, વઘઈ, વીરમગામ અને વ્યારામાં બે-બે મીમી તેમજ જાફરાબાદ, વાગરા, ગીર ગઢડા, ડેડિયાપાડા અને દસાડામાં એક-એક મીમી વરસાદ નોંધાયો હતો.