આપણું ગુજરાત

ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયોઃ વિવિધ અકસ્માતોમાં છનાં મોત, 21 ઘાયલ…

અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો હતો. અલગ-અલગ માર્ગ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા. જ્યારે 21 લોકો ઘાયલ થયા હતાં. રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ, ગીર સોમનાથ, કચ્છમાં માર્ગ અકસ્માતો થયા હતા.

Also read : Ahmedabad માં ઘરનું ઘર સ્વપ્ન બનશે, કિંમતમાં સરેરાશ 15 ટકાનો વધારો…

અમદાવાદમાં બે અકસ્માત

પ્રથમ અકસ્માત અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર વેદ મોલ સામે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નીતિન ચુનારા નામના યુવકનું મોત થયું હતું. ત્રણ મિત્રો દર્શન કરીને પરત આવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરના જજીસ બંગલો ચાર રસ્તા પર રફ્તારનો કાળો કેર જોવા મળ્યો હતો. બેફામ ઝડપે આવી રહેલી કારે મહિલાને અડફેટે લીધી હતી. કાશ્મીરા ઠાકર નામની મહિલાને કારે અડફેટે લીધી હતી. જેના કારણે મહિલા 15 ફૂટ સુધી ઢસડાઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે સીસીટીવના આધારે કારચાલક નબીરાની શોધખોળ આદરી હતી.

સુરતમાં ટ્રેન અડફેટે યુવકનું મોત

જ્યારે અકસ્માતની ત્રીજી ઘટનામાં સુરતમાં ટ્રેનની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કીમ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક ક્રોસ કરતાં યુવાન ધ્યાનચૂકથી ટ્રેનને ભટકાયો હતો. ટ્રેનને ભટકાયા પછી યુવાન ફંગોળાતા તેનું તરત જ મોત થયું હતું. સુરતમાં છેલ્લા દસ દિવસમાં ત્રણ વ્યક્તિના ટ્રેનના અડફેટે મોત થયા છે.

અકસ્માતની ચોથી ઘટનામાં ગીર સોમનાથ જિલ્લામાં ઉના-ગીર ગઢડા રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં બે યુવાનોના મોત થયા હતા. ત્રણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાપટ ગામ નજીક બે બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોની હાલત ગંભીર છે.

પાંચમી ઘટનામાં કચ્છના ભુજ અને ખાવડા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રુદ્રાણી નજીક મીઠા ભરેલા બે ટ્રેલર સામ-સામે ભટકાયા હતા. બંને ટ્રેલર સામ-સામે ભટકાતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની છઠ્ઠી ઘટના વલસાડના ધરમપુર નજીક બની હતી. બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું હતું. બે વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઘાયલ થયા હતી. ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર સામસામે બાઇક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય બાઇક સવાર દંપતીને પણ આ અકસ્માતમાં ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં રિતેશ દીવાન નામના વિદ્યાર્થીનું મોત થયું હતું.

સાતમી ઘટના રાજકોટ જામકંડોરણાના ચરેલ ગામ નજીક શ્વાનને બચાવવા જતાં કારે પલ્ટી મારી હતી. કારે પલ્ટી મારતાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલો જામનગરના રહેવાસી છે. તેમને વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આઠની ઘટનામાં સુરતમાં નેશનલ હાઇવે 48 પર નરોલી પાટિયા નજીક કીમ નદીના બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઓવરલોડ કન્ટેનર ચાલકે બ્રેક મારતા ડમ્પર પાછળ અથડાયું હતું. અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતના પગલે સુરત-અમદાવાદ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

Also read : ભાવનગરથી સુરત રો રો ફેરીમાં મોકલવામાં આવ્યું 30,000 લિટર દૂધ, વર્ષે થશે આટલી બચત

આ ઉપરાંત સુરત નેશનલ હાઇવે નંબર 48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમા માંગરોળના ધામડોદ પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી અંકલેશ્વર તરફ જતી કાર સામેના ટ્રેકમાં ઘૂસી ગઈ હતી. સુરત તરફની લાઇન પર અન્ય કાર સાથે બીજી કાર અથડાઈ હતી. બંને કારમાં સવાર કારચાલક ગંભીર રીતે ઇજા પામ્યા હતા. અકસ્માતમાં બંને કારને પણ ભારે નુકસાન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button