સિહોરના સણોસરા નજીક ટ્રક અડફેટે છ ગાયના મોતથી અરેરાટી
ગત મોડી રાત્રીની ઘટનામાં ટ્રક રોડ પર મૂકી ચાલક ફરાર થઈ ગયો

ભાવનગર: શિહોર તાલુકાના સણોસરા ગામ નજીક આવેલ કૃષ્ણપરા ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે રોડ પર બેઠેલી છ ગાયોને અડફેટે લેતા તમામ ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રક છોડી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો : Kutchની ગળપાદર જેલમાંથી પોલીસે કુખ્યાત બુટલેગર યુંવરાજસિંહને રાજકોટની જેલમાં ટ્રાન્સફર કર્યો
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શિહોર તાલુકાના સણોસરા ગામ નજીક આવેલ કૃષ્ણપરા ગામના પાટિયા પાસેની રણુજા હોટલ નજીક રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ રાજકોટ તરફથી આવી – રહેલ ટ્રક નં. જી.જે. ૧૫- એ.ટી. ૯૫૫૨ના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડ ઉપર બેઠેલ છ ગાયોને અડફેટે લેતા તમામ ગાયોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ થોડે દુર ટ્રક ઉભો રાખી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની આ ઘટના અંગે પરેશભાઈ રાજાભાઈ ( રહે.સણોસરા, તા. સિહોર ) એ ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે