આપણું ગુજરાત

SPIPAની મેહનત રંગ લાવી! ગુજરાતના આટલા ઉમેદવારોએ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા પાસ કરી

અમદાવાદ: છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના ઉમેદવારોનું પ્રદર્શન સુધરી રહ્યું છે. આ વર્ષે ગુજરાતના 26 ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયા હતા. એવામાં ગુજરાતના છ ઉમેદવારોએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFoS) ની 2024 ની પરીક્ષા પાસ (Gujarati in Indian Forest Service) કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel)એ પસંદ થયેલા ઉમેદવારોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.

સોમવારે IFoS 2024 ની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ના છ ઉમેદવારોએ 8 થી 97 વચ્ચે રેન્ક મેળવ્યો છે. પ્રિલિમિનરી પરીક્ષા 16 જૂન, 2024ના રોજ યોજાઈ હતી, ત્યારબાદ મેઈન પરીક્ષા 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી અને ઇન્ટરવ્યૂ 21 એપ્રિલથી 2 મે, 2025 દરમિયાન યોજાયા હતાં.

આ પણ વાંચો: કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, બોર્ડે આપી સત્તાવાર માહિતી

અહેવાલ મુજબ 143 ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાંથી જનરલ કેટેગરીમાં 40, EWS કેટેગરીમાં 19, OBC કેટેગરીમાં 50, SC કેટેગરીમાં 23 અને ST કેટેગરીમાં 11 જગ્યાઓ ફાળવવામાં આવી હતી. જેમાં ગુજરાતના છ ઉમેદવારો પસંદ થયા છે.

સ્પીપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પરીક્ષામાં ગુજરાતમાંથી અત્યાર સુધી ઉતીર્ણ થયેલા ઉમેદવારોની આ સૌથી વધુ સંખ્યા છે.

મુખ્ય પ્રધાને ખુશી વ્યક્ત કરી:

ગુજરાતના ઉમેદવારોની સફળતાને રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે બિરદાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું, “એ જણાવતા આનંદ થાય છે કે UPSC દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામ 2024 માં ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે, બધા સફળ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.”

આ પણ વાંચો: ઓડિશામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ઉમેદવારો પાસેથી પૈસા પડાવનારી ગેંગ ઝડપાઈ…

ખુશી વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન પટેલે લખ્યું, “ભારતીય વન સેવા આપણા કુદરતી સંસાધનો અને ઇકોસિસ્ટમના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવા મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ગુજરાતના યુવાનોનું નોંધપાત્ર પ્રદર્શન આપણા બધા માટે ખૂબ ગર્વની વાત છે.”

SPIPAના સતત પ્રયાસોના વખાણ કરતા મુખ્ય પ્રધાને લખ્યું, “UPSC ઉમેદવારો માટે SPIPA ના સમર્પિત તાલીમ પ્રયાસો ઉત્તમ પરિણામો આપી રહ્યા છે. અગાઉ, 26 વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસ પરીક્ષામાં પણ સફળ થયા હતા – જે ગુજરાત માટે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button