છોટા ઉદેપુરના નકલી સરકારી કચેરી કૌભાંડની તપાસ માટે SITની થઇ રચના

છોટા ઉદેપુરના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 4 કરોડ રૂપિયાથી વધુની રકમના કૌભાંડની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે છોટા ઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કૌભાંડની તમામ કામગીરીઓ અંગે માહિતી આપી હતી.
એસપી ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે 26 ઓક્ટોબરે છોટા ઉદેપુરની પ્રાયોજના વહીવટદારના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના 12 દિવસના રિમાન્ડ પરથી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બંનેએ કૌભાંડ આચરવા માટે ભાડે ઓફિસ રાખી હતી જેનું ભાડું અબુબકર સૈયદ ચૂકવતો હતો, અન્ય કોઈ સરકારી કચેરીમાં આવા કામો કર્યા છે કે કેમ તે અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે તેવું એસપીએ જણાવ્યું હતું. જે એકાઉન્ટમાં આરોપીઓને 4.15 કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ તો તેમણે ઘણા સમય પહેલા જ ખાલી કરી દીધું હતું, જેની માહિતી એકાઉન્ટ સીઝ કરવામાં દરમિયાન પોલીસને મળી છે. આરોપીઓનું બેકગ્રાઉન્ડ તપાસતા સંદીપ રાજપૂત બીકૉમ સુધી ભણ્યો હોવાની અને છૂટક સરકારી કામો કરતો હોવાનું તથા અબુ બકર સૈયદ 2007થી સરકારી કૉન્ટ્રાક્ટના કામ કરતો હોવાની વિગતો પોલીસને મળી છે.