રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ
રાજકોટ : 25 મે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને સરકાર દ્વારા તપાસ માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) મોડી સાંજે સરકારને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો. દુર્ઘટના સર્જાયાના ત્રણ દિવસ બાદ તૈયાર કરવામાં આવેલ અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને સોંપવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ દુર્ઘટના રાજકોટ મનપા અને પોલીસ તંત્રની બેદરકારીના લીધે જ બની હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. આ અહેવાલ બાદ સરકાર વધુ કડક પગલાં લે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં TRP ગેમઝોનમાં સર્જાયેલી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે આ અગ્નિકાંડની તપાસ માટે CID ક્રાઇમના IPS સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને એક SITની રચના કરવામાં આવી છે. તેમણે ત્રણ દિવસના અંતે પ્રાથમિક અહેલાવ રાજ્ય સરકારને સોંપી દીધો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે SITએ ગેમઝોન અગ્નિકાંડની તપાસ કરીને અમુક પુરાવાઓ મેળવ્યા હતા. આ ઉપરાંત આ દુર્ઘટના સાથે સંકળાયેલ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર અને પોલીસના અધિકારીઓના તથા સાક્ષીઓના નિવેદન લીધા હતા.
તે ઉપરાંત ગેમઝોનના બાંધકામને પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજૂરી સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. ગેમઝોનને આપવામાં આવેલી ફાયર અને પોલીસ વિભાગની મંજૂરીમાં કોણ જવાબદાર તેમની પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ લઈને SITના બે સભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા.