આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ રાજ્ય સરકારને સોંપ્યો પ્રાથમિક તપાસનો રિપોર્ટ

ગાંધીનગર: રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ બાદ તપાસ માટે રચાયેલી ‘SIT’ દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આગ દુર્ઘટનામાં 28 જેટલા લોકોની જીંદગી હોમાઈ જતાં સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. રાજ્ય સરકારે આ અગ્નિકાંડની તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ને 36 કલાકમાં સમગ્ર ઘટનાનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો જેના પગલે આજે સવારે સીટના પાંચેય અધિકારીઓએ મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરીને તપાસનો પ્રાથમિક અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અગ્નિકાંડના કારણોની તપાસ માટે રચવામાં આવેલી ‘SIT’ દ્વારા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘટનાસ્થળ ઉપર ઈમરર્જન્સી એક્ઝિટ ન હોવાના કારણે જે લોકો બહાર ન નીકળી શક્યા તેઓ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે તંત્રના વિવિધ વિભાગોની બેદરકારી હોવાનું પણ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સીટની તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, આ દુર્ઘટનામાં તમામ વિભાગો જવાબદાર જણાય છે. કારણ કે, સ્થળ પર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ માળે પહોંચવા કાયમી સુરક્ષિત સીડી હોવાનું ચકાસવાની ક્યારેય તસ્દી લેવામાં આવી ન હતી.

પોલીસે ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપી દીધી હતી તો કોર્પોરેશને પણ કોઈપણ જાતના ચેકિંગ વિના ગુનાહીત બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.TRP ગેમ ઝોનમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ગેમઝોનના સંચાલકો દ્વારા આ વખતે સીઝનમાં ખાસ નવો સ્નોપાર્ક બનાવવા માટે કામગીરી ચાલુમાં હતી અને તેના માટે જરૂરિયાત મુજબ વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. જેના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

ગેમ ઝોનમાં રેસ્ટોરાં તથા સૂચિત સ્નોપાર્ક વચ્ચે નાનકડી જગ્યામાં 4-5 ફૂટની લોખંડની સીડી રાખવામાં આવી હતી. તેના પરથી પ્રથમ માળે જવાતુ હતું. પ્રથમ માળમાં બોલીંગ ગેમ તથા ટ્રેમ્પોલાઈન પાર્ક હતા. આગની ઝપટે આખુ સ્ટ્ર્રક્ચર આવી ગયુ હોવાથી પ્રથમ માળે પહોંચવાનું કે ત્યાંથી નીચે આવવાનું અશક્ય બની ગયુ હતું. ગેમ ઝોન ખાતે ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ હતી પરંતુ તેમાં પાણીનું જોડાણ નહોતું એટલે આગ વખતે તે ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિ ન હોતી. એકમાત્ર ફાયર એક્શિગ્યુટર રસોડામાં હતું અને રસોડું પણ માર્ગ મકાન વિભાગના નિયમોનો ભંગ કરીને બનાવવામાં આવ્યુ હોવાનું પ્રાથમિક અહેવાલમાં રજૂ કરાયું છે.

ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે આ અગ્નિકાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ ટેકનીકલ એજ્યુકેશન કમિશનર અને રાજકોટના તત્કાલીન મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની ઉપરાંત એફએસએલના ડાયરેકટર એચ.પી.સંઘવી, અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર જે.એન.ખડીયા તથા માર્ગ અને મકાન વિભાગનાં કવોલિટી કંટ્રોલ વિભાગનાં ઈજનેર એમ.બી.દેસાઈની તપાસ સમિતિની રચના કરી હતી.

આ સમિતિએ રવિ અને સોમવાર એમ સતત બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામ વિભાગોના અધિકારીઓ તથા જવાબદારો અને કેટલાક શાક્ષીઓના નિવેદનો પણ બંધબારણે નોંધ્યા હતાં. આ ઉપરાંત ટીઆરપી ગેમઝોનની બાંધકામ પરવાનગી, ફાયર એનઓસી, પોલીસ દ્વારા અપાયેલી મંજુરી, મનારંજન લાયસન્સ સહિતની સંલગ્ન બાબતોના જરૂરી ડોકયુમેન્ટ પણ અલગ અલગ વિભાગો પાસેથી મેળવી અને પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button