નણંદના અનુચિત ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ ભાભીની ઘાતકી હત્યા…
ભુજ: ગાંધીધામમાં રહેતી ૨૪ વર્ષિય પરિણીતાને તેની નણંદના અનુચિત ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ મોતને ઘાટ ઉતારી દેવાતાં ચકચાર પ્રસરી જવા પામી છે.
આ પણ વાંચો : મહેસાણામાં યુવકને જાણ કર્યા વિના કરી નાખી નસબંધી; મહિના બાદ હતા યુવકના લગ્ન
સમગ્ર કચ્છમાં ચકચાર
સમગ્ર કચ્છમાં ચકચાર જગાવનારા હત્યાના આ બનાવ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, દક્ષાબેન રાજુ મકવાણા નામની મહિલાની તેના નણદોયા વિપુલ દયાલ (રહે. ઈન્દિરાનગર, ગાંધીધામ) સહિત ત્રણ યુવકોએ છરી જેવા તીક્ષ્ણ હથિયારથી અસંખ્ય ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો બનાવ ગત ગુરુવારના રાત્રે સાડા આઠના અરસામાં મરણ જનારના ઘર પાસે બન્યો હતો.
તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી હત્યા
વિપુલની પત્નીની ભાભી દક્ષાએ વિપુલની પત્નીના અનુચિત ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા જે બાબત ધ્યાને આવતાં વિપુલ ઉશ્કેરાઈને બે મિત્રો સાથે મચ્છુનગરમાં આવ્યો હતો. નણદોયા વિપુલે દક્ષા જોડે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ બબાલ દરમિયાન વિપુલના બે મિત્રો પ્રેમજી જોધા કોલી અને હિતેશ કચરા રાઠોડે દક્ષાને પકડી રાખી હતી અને ગુસ્સામાં અંધ બનેલાં વિપુલે દક્ષાને તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી પંદરથી વધુ ઘા ઝીંકી રહેંસી નાખી હતી.
આ પણ વાંચો : ખ્યાતિકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા; અત્યારસુધીમાં થયા 112 લોકોના મોત
બનાવ સમયે દક્ષાની બહેન નીતા અને તેના પુત્રએ દક્ષાને છોડાવવા માટે વિપુલને માર મારતાં તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિપુલ અને તેના બે મિત્રો સામે હત્યાની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પીઆઈ એસ.વી. ગોજીયાએ જણાવ્યું હતું.