ગુજરાતમાં દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં ભડકો: ₹ ૨૦નો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં ઘચકો થયો છે. સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં રૂ.૨૦ નો વધારો કરવામાં
આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં કમરતોડ વધારા બાદ તેલના ભાવ ઘટી રહ્યા હતા એક મહિના સુધી સિંગતેલના ભાવમાં ઘડાટા બાદ ફરી એકવાર ભાવ વધારી દેવાયા છે. સિંગતેલના ભાવમાં રૂ.૨૦ નો વધારો કરવામાં આવતા તેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ. ૨૭૪૦ પહોચી ગયો છે. ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે.
ઓક્ટોબર મહિનાથી તેલના ભાવ સતત નીચે જઈ રહ્યાં હતા. આખા ઓક્ટોબર મહિનામાં ચાર વાર તેલના ભાવોમાં ઘટાડો થયો છે. જેમાં ૩જી ઓક્ટોબર રૂ. ૧૫નો ઘટાડો, ૧૦મી ઓક્ટોબરે રૂ. ૧૫નો ઘટાડો, ૧૩મી ઓક્ટોબર રૂ. ૨૦ નો ઘટાડો, ૨૫મી ઓક્ટોબરે સિંગતેલમાં રૂ. ૮૦ અને કપાસિયા તેલમાં રૂ. ૨૦ નો ઘટાડો થયો હતો. ૩૧મી ઓક્ટોબરે રૂ. ૨૦ નો વધારો કરવામાં આવ્યો છે. બરાબર મહિનાના અંતમાં જ સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે.
જો હવે વધુ ભાવ વધશે તો ગૃહિણીઓની દિવાળી બગડવાના એંધાણ દેખાઈ રહ્યાં છે.