ભુજમાં બે બારાતુ કારીગરો ૨૫ કિલો કાચી ચાંદી ચોરી ફરાર…
ભુજ: ભુજ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં કાચી ચાંદીને શુદ્ધ બનાવવાનું કામ કરતાં શેઠના બે હિમાચલ પ્રદેશના વિશ્વાસુ કારીગરો વર્કશોપની બારી તોડીને ૧૬ લાખ ૭૦ હજારના મૂલ્યની ૨૫ કિલોગ્રામ કાચી ચાંદીની ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હોવાનો ‘મની હાઇસ્ટ’ ફિલ્મ જેવો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
આ પણ વાંચો : તહેવારોના દિવસોમાં સર્જાઈ કરૂણાંતિકાઃ અંજારમાં તણાતા પુત્રને બચાવવા ગયા ને…
ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારા રામચંદ્ર સાળુંકે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં ૩૫ વર્ષથી ભુજમાં કાચી ચાંદી ગાળવાનું અને તેના શુધ્ધિકરણ (રીફાઈનીંગ)નું કામ કરે છે.
ભુજના કંસારા બજાર ખાતે શ્રીરામ સિલ્વર ટચ એન્ડ રીફાઈનરી નામથી શોપ ધરાવે છે, તેમજ ભુજ જીઆઈડીસીમાં પણ ચાંદીની રીફાઈનરીનો વર્કશોપ ધરાવે છે. જીઆઈડીસીમાં આવેલી તેમની વર્કશોપને છેલ્લાં ૧૨ વર્ષથી તેમના વિશ્વાસુ પવનકુમાર ઠાકુર અને પ્રિતમચંદ ઠાકુર (બંને મૂળ રહે. હિમાચલ પ્રદેશ) નામના શખ્સો સાંભળતા હતા.
ગત સપ્ટેમ્બરમાં આ બંને કારીગરો વારાફરતી સામાજિક કારણોસર એક મહિના માટે વતન જવાના હોઈ ફરિયાદીએ તેમને તહેવારોના દિવસોમાં કામ અટકી ના રહે તે માટે તેમની અવેજીમાં તેમના ઓળખીતા કારીગરોને કામે રાખવા જવા વિનંતી કરતાં પ્રિતમચંદે તેના ભાઈના સાળા અજયકુમાર લચ્છુરામ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ)ને ૧૬-૦૮-૨૦૨૪ના રોજ ભુજ બોલાવી વર્કશોપમાં કામે રખાવ્યો હતો. પવનકુમારે પણ તેના ઓળખીતા કારીગર રમેશચંદ ત્રિલોકચંદ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ)ને ૦૭-૧૦-૨૦૨૪ના રોજ ભુજ બોલાવી કામે રખાવ્યો હતો.
આખો દિવસ કામ કરીને તેઓ રાત્રે ઉપરની ઓરડીમાં ચાલ્યા જતા હતા. બંને જણ નવા હોઈ ફરિયાદીએ વર્કશોપની ચાવી તેમને સોંપી નહોતી. તેમનો વિશ્વાસુ માણસ રોહિત સાવંત રોજ સવારે અને સાંજે વર્કશોપ ખોલવા બંધ કરવા જતો હતો.
દરમ્યાન, ગત ૧૧મી ઓક્ટોબરના રોજ ફરિયાદીએ રીફાઈન કરવા માટે વર્કશોપ પર ૨૫ કિલો કાચી ચાંદી મોકલી હતી. ત્રીજા દિવસે ૧૩ ઓક્ટોબરે સાવંત જ્યારે વર્કશોપનું તાળું ખોલવા ગયો ત્યારે વર્કશોપની બારી તૂટેલી જોવા મળી હતી અને બંને કારીગરો મોબાઈલ ફોન બંધ કરીને લાપત્તા થઈ ગયાં હતાં. સાવંતે જાણ કરતાં ફરિયાદીએ તુરંત વર્કશોપ ખાતે દોડી આવીને તપાસ કરતાં ચાંદી ચોરાઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું હતું. ફરિયાદીએ તેમના જૂનાં કારીગરો પ્રિતમચંદ અને પવનકુમારનો સંપર્ક કરીને બનાવ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો : Kutch માં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
અન્ય કારીગરોની મદદથી અત્યારસુધી બંનેની શોધખોળ કરી હતી પરંતુ ૨૩ દિવસ વીતી ગયાં બાદ પણ બંનેના કોઈ સગડ મળ્યાં ન હોવાનું ફરિયાદીએ ઉમેર્યું હતું. હાલ પોલીસે ફરાર કારીગરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.