આપણું ગુજરાત

દક્ષિણમાં દેધનાધન : ખેરગામમાં સાત ઇંચ જેટલો વરસાદ; વલસાડમાં કાલે શાળા-કોલેજો બંધ

અમદાવાદ: રાજયમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણમાં દેધનાધનની પરિસ્થિતિ સર્જાય હતી. સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આશરે સાત ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં પડ્યો હતો. નવસારી, ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આજે સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં પડ્યો હતો. વલસાડના કપરાડા અને ડાંગના આહવામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચિખલીમાં સવા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય વાંસદા અને ધરમપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના સુબીર અને વઘઇમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વલસાડમાં શાળા-કોલેજો બંધ:ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીએ આવતીકાલે 05 ઓગષ્ટના રોજ ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં રજા જાહેર કરી દીધી છે. હાલ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારો ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થયા છે. ઓરંગા નદી તેની ભયજનક સપાટીથી વહી રહીઓ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારયા છે.

આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી:આવતીકાલે 5 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button