જૂનાગઢમાં શ્રાદ્ધમાં પતંગ ચગાવાની છે પરંપરા, જોકે હવે ઓછી થઈ છે
જૂનાગઢમાં નવાબીકાળથી ભાદરવા મહિનામાં શ્રાધ્ધ પક્ષના દિવસોથી નવરાત્રી સુધી પતંગ ચગાવવાનું ચલણ હતું. પરંતુ બે વર્ષથી સમય બદલાય તેમ પતંગ ઉડાડવાનું ચલણ પણ બદલાયું છે. આથી આ દિવસો દરમ્યાન પતંગ ચગાવતા શહેરીજનોની સંખ્યામાં ઘટાડો થયો છે.
લોકો અન્ય મહાનગરોની જેમ ઉતરાયણ પર્વ પર જ પતંગ ચગાવવા તરફ વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગીર-સોમનાથ પંથકમાં હજુ પણ શ્રાધ્ધ પક્ષના દિવસોમાં પતંગ ઉડાડવાનું ચલણ છે. જોકે હવે પતંગના વ્યાપારમાં ઘટાડો થયો છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢમાં ગિરનાર પર્વત હોવાથી મકરસંક્રાંતિના પર્વ સમયે ઉત્તર- પૂર્વીય દિશામાંથી પવન આવતા હોય ત્યારે આ પવનને ગિરનાર રોકી લે છે. આથી જૂનાગઢમાં પતંગ ઉડી શકે તેવો પવન નથી હોતો. તેથી શ્રાધ્ધના દિવસો દરમ્યાન મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાડતા હોય છે.
પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષથી શહેરીજનો મેટ્રોસિટી તરફ વળ્યા હોય તેમ પતંગ ઉડાડવા પૂરતી ઝડપમાં પવન મળી રહેતા મકરસંક્રાંતિ પર્વ પર જ પસંદ કરી રહ્યા છે. ભાદરવાના શ્રાધ્ધના દિવસો દરમ્યાન અગાઉ પતંગની દુકાનોમાં પતંગ અને દોરી ફીરકી ખરીદવા કતારો લાગતી હતી જ્યાં હવે પતંગની ખરીદી માટે ઘરાકી ન હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
જૂનાગઢમાં ત્રણ પેઢીથી પતંગના વ્યવસાયમાં રહેલા વેપારીના જણાવ્યા મુજબ, બે વર્ષથી શ્રાધ્ધના દિવસો દરમ્યાન પતંગ ચગાવવાનું મહત્વ ઘટતું જાય છે અને તેથી શ્રાધ્ધના દિવસો દરમ્યાન પતંગની ખરીદીમાં ૫૦ ટકા ઘટાડો થયો છે. આ વર્ષે પતંગની વેચાણની ઘરાકી ઓછી રહેતા ૫૦ ટકા પતંગનું વેચાણ થયું છે.