ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર 2027ની વિધાનસભા ચૂંટણી લડશે ? મા અંબાનાં દર્શન કરીને શું કહ્યું ?

અંબાજીઃ ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં ઝંપલાવશે તેવી ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. વિક્રમ ઠાકોર મા અંબાના દર્શન કરવા આવ્યો હતો. અંબાજીના આશીર્વાદ લીધા બાદ 2027ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, માતાજીની જેવી ઈચ્છા હશે, તે પ્રમાણે જ આગળ વધીશું. હાલ હું એ બાબતે કહી ન કહી શકું.
આ ઉપરાંત તેણે કહ્યું કે, હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું. જો ભવિષ્યમાં જનતાનો આગ્રહ અને માતાજીની ઈચ્છા હશે તો ચોક્કસ વિચારી શકાય. હાલમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે ચૂંટણી લડવાની ઉતાવળ નથી.

આમ આદમી પાર્ટીએ જોડાવા કરી હતી ઓફર?
ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરના ફેંસ અને સમાજમાં વર્ચસ્વ હોવાના કારણે અનેક વખત રાજકીય પક્ષો સાથે તેમનું નામ જોડાઈ ચુક્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા વિક્રમ ઠાકોરને જોડાવા માટે ઓફર કરવામાં આવી હતી. તે વખતે તેઓએ ખુલાસો કરતા કહ્યું હતું કે, પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.
કોણ છે વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલા ફતેહપુરાના વતની છે. 10 વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ પર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. 20 વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરૂ કર્યા હતા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા માંગતા નહોતા પરંતુ 2006માં દિગ્દર્શકના કહેવાથી અભિનય કર્યો હતો. આ ફિલ્મ સફલ રહી હતી. જે બાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે સળંગ 8 સફળ ફિલ્મો આપી છે. અત્યાર સુધીમાં તેમણે 40થી વધુ ફિલ્મો કરી છે.



