આપણું ગુજરાત

અમદાવાદની ૧૩૩ સરકારી સ્કૂલમાં ૭૭૫ ઓરડાની ઘટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો પૈકી ૧૩૩ સ્કૂલમાં ૭૭૫ જેટલા ઓરડાની ઘટ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શહેરની ૪૪૯ સરકારી પ્રાથમિક સ્કૂલ પૈકી ૮૭ સ્કૂલમાં ૬૨૨ ઓરડાની ઘટ છે, જ્યારે જિલ્લાની ૬૮૬ સરકારી પ્રાથમિક સ્કૂલ પૈકી ૪૪ સ્કૂલમાં ૧૩૨ ઓરડાની ઘટ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે માધ્યમિકની માત્ર બે સ્કૂલમાં જ ૨૧ ઓરડાની ઘટ છે. આ ઓરડાની ઘટ આગામી વર્ષોમાં તબક્કાવાર ઝડપથી પૂર્ણ કરવાનું સરકાર દ્વારા આયોજન કરાયું હોવાનું વિધાનસભામાં એક લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવાયું હતું.

જમાલપુર- ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં લેખિત પ્રશ્ર્નમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની માહિતી માગી હતી. ઉપરાંત આ શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે અને આ ઘટ ક્યાં સુધીમાં પૂર્ણ કરાશે તે પ્રકારની માહિતી માગી હતી, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા લેખિત જવાબમાં શાળાની માહિતી અને ઓરડાની ઘટ અંગેની વિગતો આપવામાં આવી હતી. તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ અમદાવાદ શહેર અને જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૧૩૫ હોવાનું જણાવાયું હતું, જેમાં અમદાવાદ શહેરમાં સરકારી પ્રાથમિક સ્કૂલની સંખ્યા ૪૪૯ અને અમદાવાદ જિલ્લામાં સરકારી પ્રાથમિક સ્કૂલની સંખ્યા ૬૮૬ હોવાનું જણાવાયું હતું, જેમાં સૌથી વધુ દસક્રોઈ તાલુકામાં ૧૩૩ સ્કૂલ છે, જ્યારે સૌથી ઓછી ધોલેરામાં ૩૯ સ્કૂલ આવેલી છે, જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા ૪૭ જેટલી છે, જેમાં અમદાવાદ શહેરમાં ૨ અને અમદાવાદ જિલ્લામાં ૪૫ જેટલી સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે. અમદાવાદ શહેરમાં આવેલી ૪૪૯ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ૬૨૨ જેટલા ઓરડાની ઘટ હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં આવેલી ૬૮૬ પ્રાથમિક સ્કૂલમાં ૧૩૨ જેટલા ઓરડાની ઘટ છે. આમ, અમદાવાદ શહેર અને જિલ્લાની સરકારી પ્રાથમિક સ્કૂલમાં મળીને કુલ ૭૫૪ ઓરડાની ઘટ હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં આવેલી બે સરકારી માધ્યમિક શાળામાં એક પણ ઓરડાની ઘટ નથી, જ્યારે અમદાવાદ જિલ્લામાં આવેલી ૪૫ સરકારી માધ્યમિક સ્કૂલમાં માત્ર ૨૧ ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. આ ૨૧ ઓરડા માત્ર બે સ્કૂલમાં જ ખૂટતા હોવાનું જાણવા મળે છે. જેમાં જુહાપુરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૧૨ ઓરડા અને દેવધોલેરાની શાળામાં નવ ઓરડાની ઘટ છે. અમદાવાદ શહેરની જે સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ઓરડાની ઘટ છે, તેવી સ્કૂલોની સંખ્યા ૮૭ છે, જેમાં સૌથી વધુ સૈજપુર હિન્દી ૧ પ્રા. શાળામાં ૧૭ ઓરડાની ઘટ છે. આ ઉપરાંત સરસપુર-૧૧, સરસપુર-૧૩, બહેરામપુરા-૧ અને વાડજ-૧ શાળામાં ૧૬-૧૬ ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button