સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર છતાં શક્તિસિંહે ગોહિલે કોંગ્રેસના પ્રદર્શન અંગે કહ્યું નિરાશાજનક નહીં…

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. 68 નગરપાલિકામાંથી કૉંગ્રેસ માત્ર એક જ નગરપાલિકા જીતી હતી. 1840 બેઠકમાંથી કૉંગ્રેસના 252 ઉમેદવારો જ જીત્યા હતા. એટલે કૉંગ્રેસના 14 ટકા ઉમેદવારોનો વિજય થયો હતો. તેમ છતાં ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે દાવો કર્યો હતો કે રાજ્યમાં 2018ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરખામણીએ તેમની પાર્ટીનું પ્રદર્શન સુધર્યું છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો વચ્ચે દેવગઢ બારિયામાં હિંસાનો બનાવઃ ત્રણ જણ ઘાયલ
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે પડકારો હોવા છતાં પરિણામને નિરાશાજનક તરીકે જોઈ ન શકાય. 2018માં કૉંગ્રેસ પાસે વિધાનસભામાં 78 સભ્યો હતા. આજે અમારી પાસે વિધાનસભામાં માત્ર 12 સભ્ય છે, તેમ છતાં અમે સ્થાનિક સંસ્થાઓમાં સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે 2018માં અમારું પ્રદર્શન એક આંકડામાં હતું. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 2018માં 60માંથી 1 બેઠક મળી હતી, જ્યારે આ વખતે 11 બેઠક પર જીત મળી હતી.
આ પણ વાંચો: પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો શું કહ્યું
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ દ્વારા શામ-દામ-દંડની નીતિ અપનાવવામાં આવી હોવા છતાં આ સુધારો થયો છે. તેમણે ભાજપ દ્વારા ચલાવવામાં આવતાં નકારાત્મક અભિયાનોને લોકશાહી પર હુમલા સમાન ગણાવી તેને વિપક્ષના અવાજોને દબાવવાનો તથા રાજ્યમાં લોકશાહી સિદ્ધાંતોને નબળા પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.