હવે જાગ્યું તંત્રઃ શિવરાજપુર બીચ મામલે લેવાયો આ નિર્ણય
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે થોડા દિવસો પહેલા પેરાગ્લાઈડિંગ કરતો પ્રવાસી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો. તે બાદ જાગેલા તંત્રએ ગેરકાયદે ચાલતા વોટર સ્પોર્ટ્સને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
દ્વારકામાં જિલ્લા તંત્ર દ્વારા હવે સેફ્ટીના સાધનો વગર ચાલતા સ્કૂબા અને પેરાગ્લાઈડિંગના વોટર સ્પોર્ટ્સને તાળાં લગાવી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતી આ વોટર સ્પોર્ટ્સની કામગીરી પર તત્કાળ રોક લગાવવામાં આવી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
આ નિર્ણય દ્વારકાના જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતા ગેરકાયદે વોટર સ્પોર્ટ્સ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે. બીચ પર ગેરકાયદે ચલાવવામાં આવતી તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે.. પેરાગ્લાઇડિંગ કરતા યાત્રિકનો અકસ્માતનો ભોગ બનતાં આ મહ નિર્ણય લેવાયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતી આ જોખમી વોટર સ્પોર્ટ્સ માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ લેવામાં આવ્યું નથી. અહીં સ્થાનિક ધોરણે અને બહારનાં પણ એવા ઘણાં લોકો છે જે બીચ પર પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, બોટ રાઈડિંગ વગેરે જેવી એક્ટિવિટીને ખાસ કમાવવાના ધોરણે જ કરે છે. આનાથી ટુરિસ્ટોને મજા તો આવે છે પરંતુ આ મજાને સજા બનતા વાર લાગતી નથી. સહેલાણીઓની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતાં રહે છે જેના કારણે પર્યટકોનાં જીવનું જોખમ વધે છે. બીજી બાજુ પર્યટકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. દ્વારકાનો આ બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને છેલ્લા થોડા સમયથી અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પર્યટન વિભાગ દ્વારા આ જગ્યાનો સારો વિકાસ થયો છે, પરંતુ અકસ્માત ન સર્જાય તેની તકેદારી પણ એટલી જ જરૂરી છે.