આપણું ગુજરાત

જ્યારે ગીરના જંગલમાં સિંહ સામે આવી ગયેલો ત્યારે શિવભદ્રસિંહજી….

ભાવનગર : સ્વતંત્રતા બાદ અખંડ ભારતના નિર્માણ માટે સ્વેચ્છાએ પોતાનું રાજ આપનાર ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર (Son of Krushnkumarsinhji) અને જાણીતા પ્રકૃતિવિદ શિવભદ્રસિંહજી ગોહિલનું (ShivbhadraSingh Gohil) આજે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને બપોરે 1 થી 5 વાગ્યા સુધી બોરતળાવ પાસેના ભાવવિલાસ પેલેસમાં દર્શનાર્થે રાખવામાં આવનાર છે. જ્યારે સાંજે 5 વાગે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

ગુજરાત સરકારે જ્યારથી સિંહ વિષયક તજજ્ઞોની સમિતિ નીમી ત્યારથી જ તેઓ તેના સભ્ય હતા. સિંહોની વસ્તીગણતરીમાં પણ તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. સિંહ વસ્તી ગણતરીનો એક રોચક કિસ્સો ભાટી એન.એ જણાવ્યો હતો. 1995ની સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે સિંહને પાડાનું મારણ આપી તેની ગણતરી કરવામાં આવતી. તે વખતે એક પાડો રાખવામાં આવ્યો હતો અને સિંહે તેનું મારણ કર્યું પરંતુ કોઈ કારણોસર સિંહે તુરંત અમારી સામે દોટ મૂકી.

અમે તેનાથી 40થી 50 ફૂટના અંતરે જ એક નાના ટેકરા પર ઊભા હતા. સિંહની આ વર્તણૂકથી અમો બધા ગભરાય ગયા કે હવે શું થશે પણ છતાં અમે બધા મક્કમતાથી ઉભા રહ્યા. લાકડીઓને પછાડી તોય બે, ત્રણ વાર સિંહ ઘૂરકયો અને અંતે જતો રહ્યો. ત્યારે અમોએ હાશકારો કરી રાહત અનુભવેલી. આ સમયે ખાસ તો ભાવનગર સ્ટેટના મ.કુ. શિવભદ્રસિંહજી ગોહિલ અમારી સાથે હતા આથી કશું અજુગતું થાય તો એ ચિંતાથી પરેશાન થઈ ગયા હતા.

શિવભદ્રસિંહજી પ્રકૃતિપ્રેમી હતા અને તેમનું પર્યાવરણ ક્ષેત્રે યોગદાન પણ રહ્યું છે. ગુજરાતમાં ગીરના જંગલમાં 1995ના વર્ષમાં સિંહ વસ્તી ગણતરીમાં તેમણે માનદ અધિકારી ફરજ બજાવી હતી. પ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ ભાટી એન (વાંકાનેર)એ વિગતો આપતા જણાવ્યું કે, એ દિવસોમાં શિવભદ્રસિંહજી ગોહિલ, રમેશ રાવલ (દીવ) અને ભાટી એન.ની સિંહ ગણતરીમાં સેવા લેવાઈ હતી. ત્યારે 4 દિવસ સુધી જંગલમાં તેમની સાથે રહેવાનું થયું હતું. શિવભદ્રસિંહજીને વિડિયોગ્રાફીમાં ખાસ રુચિ હતી, તેઓ જાતે જ વિડિયો ઉતારતા. ઉપરોક્ત તસવીરમાં ડાબેથી પ્રથમ રમેશ રાવલ, વચ્ચે ભાટી એન અને છેલ્લે દૂરબીન સાથે શિવભદ્રસિંહજી નજરે પડે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button